કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન ૬.૪ ડિગ્રી નોંધાયું

11 December, 2024 12:02 PM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

કચ્છમાં શિયાળો આખરે ધાક જમાવી રહ્યો છે ત્યારે ગુજરાતનું શિમલા ગણાતું અબડાસા તાલુકાનું મુખ્ય મથક નલિયા ગઈ કાલે ૬.૪ ડિગ્રી ન્યુનતમ તાપમાન સાથે સમગ્ર રાજ્યનું ઠંડું મથક બન્યું હતું

પ્રતીકાત્મક તસવીર

કચ્છમાં શિયાળો આખરે ધાક જમાવી રહ્યો છે ત્યારે ગુજરાતનું શિમલા ગણાતું અબડાસા તાલુકાનું મુખ્ય મથક નલિયા ગઈ કાલે ૬.૪ ડિગ્રી ન્યુનતમ તાપમાન સાથે સમગ્ર રાજ્યનું ઠંડું મથક બન્યું હતું. નલિયા ખાતે મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું હતું. 

ભુજમાં પણ જાણે ધીમે-ધીમે ઠંડીનો પારો સિંગલ ડિજિટ તરફ જઈ રહ્યો હોય એમ ગઈ કાલે ન્યુનતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે બપોરે ત્રણ વાગ્યે મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી નોંધાયું હતું.  ભુજ ઉપરાંત રાપર, કંડલા, આદિપુર, અંજાર તેમ જ બંદરીય શહેરો માંડવી અને મુન્દ્રામાં પણ ટાઢોળાએ પોતાની હાજરી પુરાવી હતી. સામાન્ય રીતે કચ્છમાં નવેમ્બર મહિનાના બીજા સપ્તાહથી શિયાળો બેસી જાય છે, પરંતુ આ વર્ષે ખરેખરો શિયાળો શરૂ થવાનો સમય લંબાઈ ગયો છે. અધૂરામાં પૂરું હવામાં ભેજનું પ્રમાણ ૨૩ ટકા રહેવા ઉપરાંત પ્રતિ કલાકે ૧૬ કિલોમીટરની ઝડપે ફૂંકાતા ઉત્તર-પશ્ચિમ પવનોએ પણ ઠંડીની તીવ્રતા વધારી દીધી છે. 

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ મારકણી ઠંડીનું મોજું હજી બે દિવસ ચાલુ રહેશે.

kutch bhuj Weather Update gujarat news gujarat news