નલિયામાં આ સીઝનનું રેકૉર્ડબ્રેક બે ડિગ્રી તાપમાન

06 January, 2023 10:51 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ટાઢાબોળ પવન સાથે ગાત્રો થિજાવતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત, ડીસા ૭ ડિગ્રીમાં થયું હેમ જેવું, ડીસાના કાંટ ગામે કાર પર બરફ જામ્યો

કચ્છના નલિયામાં ઠંડી પડતાં સ્થાનનિકોએ તાપણાનો સહારો લઈ ઠંડી ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદ : ટાઢાબોળ પવન સાથે ગાત્રો થિજાવતી ઠંડીમાં ગઈ કાલે અમદાવાદ સહિત ગુજરાત ઠૂંઠવાઈ ગયું હતું એટલું જ નહીં, આ સીઝનની રેકૉર્ડબ્રેક બે ડિગ્રી ઠંડી નલિયામાં પડતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. ઠંડી પડતાં સ્થાનિકોએ તાપણાનો સહારો લઈ ઠંડી ઉડાડવાનો પ્રસાય કર્યો હતો. ડીસામાં પણ ૭ ડિગ્રી ઠંડી પડતાં આખા પંથકના નાગરિકોએ  કડકડતી ઠંડીનો સામનો કર્યો હતો. હજી પણ ઠંડીનું જોર ગુજરાતમાં રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સીઝનમાં સૌથી વધુ ઠંડી નલિયામાં બે ડિગ્રી નોંધાઈ હતી, જે આ સીઝનનો રેકૉર્ડ થયો છે. આ સીઝનમાં હજી સુધી ગુજરાતમાં આટલી ઠંડી બીજે ક્યાંય નોંધાઈ નથી. નલિયા ઉપરાંત ડીસામાં ૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પવનની ગતિ વધુ હોવાના કારણે ઠંડી વધુ લાગી રહી છે. આજે પણ ગુજરાતમાં ઠંડી રહેશે. ખાસ કરીને નૉર્થ ગુજરાતમાં ઠંડીનું જોર રહેશે.’

ગુજરાતમાં જ્યાં સૌથી વધુ ઠંડી પડી એ કચ્છમાં આવેલા નલિયાના સરપંચ રામજી કોલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી અને ઠંડીનો ચમકારો રહીશોએ અનુભવ્યો હતો, પરંતુ એના કારણે બજાર પર કોઈ અસર પડી નથી.’ ગુજરાતમાં નલિયા પછી ડીસામાં સૌથી વધુ ઠંડીની અસર જોવા મળી હતી. ડીસામાં ૭ ડિગ્રી ઠંડી પડતાં શહેર હેમ જેવુ થઈ ગયું હતું. ડીસાના કાંટ ગામે કાર પર બરફ જામ્યો હતો. 

બીજી તરફ કડકડતી ઠંડીમાં અમદાવાદ સહિત ગુજરાત ઠૂંઠવાયું હતું અને સામાન્ય જનજીવન પર અસર પહોંચી હતી. અમદાવાદમાં સુસવાટા મારતા પવન સાથે ૧૦ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ગઈ કાલે ગુજરાતમાં પાટણમાં ૬.૯ ડિગ્રી, ભુજમાં ૯, દાહોદમાં ૯.૧, ગાંધીનગરમાં ૯.૪, વલ્લભવિદ્યાનગરમાં ૧૦, રાજકોટમાં ૧૦.૭, પંચમહાલમાં ૧૦.૮ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. દરિયામાં ભારે પવન અને કરન્ટના કારણે બેટ દ્વારકાની ફેરી બોટ સર્વિસ બીજા દિવસે પણ બંધ રહી હતી.

કાશ્મીર અને દિલ્હીમાં ઠંડીનો ચમકારો

કાશ્મીરમાં તાપમાન ફ્રીઝિંગ પૉઇન્ટ કરતાં નીચું ઊતર્યું છે. કાશ્મીરના એક વિડિયોમાં પાણીની પાઇપમાંથી પાણીના બદલે બરફ વહેતો જોવા મળ્યો તેમ જ દલ લેકનો મોટો હિસ્સો પણ થીજી ગયેલો જોઈ શકાય છે. દિલ્હીમાં તાપમાન છેલ્લાં બે વર્ષની તુલનાએ સૌથી નીચું ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં એ હિલ સ્ટેશન કરતાં પણ વધુ ઠંડું જણાય છે. ઠંડીને કારણે દૃશ્યતા ઓછી હોવાથી લગભગ ૧૨ જેટલી ટ્રેનો એક-દોઢ કલાકથી માંડીને છ કલાક જેટલી વિલંબિત થઈ હોવાનું રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું.

gujarat news ahmedabad delhi news Weather Update