14 January, 2023 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમદાવાદના પતંગ મહોત્સવમાં સહેલાણીઓને જાણવા મળી રહ્યો છે પતંગનો રોચક ઇતિહાસ
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલમાં સહેલાણીઓને પતંગનો ઇતિહાસ જાણવા મળી રહ્યો છે. દેશવિદેશના પતંગબાજોને પતંગ ચગાવતા જોવા આવી રહેલા સહેલાણીઓને અહીં ઊભા કરવામાં આવેલા હિસ્ટરી ઑફ કાઇટ ડોમમાં પતંગનો રસપ્રદ ઇતિહાસ જોવા મળી રહ્યો છે. ભારતમાં સૌપ્રથમ પતંગ સંગ્રહાલય ૧૯૮૪માં અમદાવાદમાં ખોલવામાં આવ્યું હતું. ૧૨૩૨, ૧૮૬૦, ૧૮૯૦માં પતંગના કેવા ઉપયોગ થયા હતા, ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ફોલ્ડિંગ બૉક્સ પતંગ ડિઝાઇન થઈ હતી, ૨૦૦ બીસીથી શરૂ થયેલી પતંગના ઇતિહાસ વિશે પણ અહીં માહિતી અપાઈ છે. આ ઉપરાંત અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પતંગ પર લખેલી ઉત્સવ શીષર્ક સાથેની કવિતા મૂકવામાં આવી છે. સહેલાણીઓમાં પતંગ વિશેની માહિતી તેમ જ નરેન્દ્ર મોદીની કવિતા રોમાંચક બની રહી છે.