11 January, 2024 09:26 AM IST | Ahmedabad | Shailesh Nayak
મુકેશ અંબાણી
અમદાવાદ : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા રિલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણીએ ભારપૂર્વક કહ્યું હતું કે ‘મને ગુજરાતી હોવાનું અભિમાન છે. મારા પિતા ધીરુભાઈ અંબાણીએ મને નાનપણમાં કહેલી વાત હું ક્યારેય નહીં ભૂલું કે ગુજરાત એ માતૃભૂમિ છે અને કર્મભૂમિ રહેવી જોઈએ. આજે હું ફરી જાહેર કરું છું કે રિલાયન્સ એ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે.’
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ક્ષમતા વિશેની વાત કરતાં મુકેશ અંબાણીએ એક કિસ્સો કહેતાં કહ્યું હતું કે ‘વિદેશના મારા મિત્રો મને પૂછે છે કે ‘મોદી હૈ તો મુમકીન હૈ’ સ્લોગનનો અર્થ શું? ત્યારે હું તેમને કહું છું કે એનો અર્થ એ કે ભારતના વડા પ્રધાન ઇમ્પૉસિબલને પૉસિબલ બનાવે છે તેમના વિઝનથી અને એક્ઝિક્યુશનથી એટલે મોદી હૈ તો મુમકીન હૈ. તેઓ ઍગ્રી થાય છે અને બોલે છે મોદી હૈ તો મુમકીન હૈ.’
મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાતને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ સમિટ તરીકે ઓળખાવીને કહ્યું હતું કે ‘આ પ્રકારની અન્ય કોઈ સમિટ સતત ૨૦ વર્ષથી ચાલી રહી નથી અને મજબૂતીથી આગળ વધી રહી છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિઝન અને સાતત્યતા માટે અભિનંદનને પાત્ર છે.’મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘રિલાયન્સે છેલ્લાં ૧૦ વર્ષમાં વર્લ્ડ ક્લાસ ઍસેટ્સ બનાવવા માટે સમગ્ર ભારતમાં ૧૫૦ બિલ્યન અમેરિકન ડૉલરનું રોકાણ કર્યું છે, જેમાંથી એક તૃતીયાંસથી વધુનું રોકાણ માત્ર ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે.’
મુકેશ અંબાણીએ સમિટના મંચ પરથી ગુજરાતને પાંચ વચનો આપ્યાં હતાં, જેમાં તેઓએ કહ્યું હતું કે ‘રિલાયન્સ આગામી ૧૦ વર્ષમાં નોંધપાત્ર રોકાણ સાથે ગુજરાતની વિકાસગાથામાં અગ્રણી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. ખાસ કરીને રિલાયન્સ ગ્રીન ગ્રોથમાં ગુજરાતને વૈશ્વિક અગ્રણી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. જામનગરમાં ૫૦૦૦ એકરનું ધીરુભાઈ એનર્જી ગીગા કૉમ્પ્લેક્સ બની રહ્યું છે, જે ૨૦૨૪ના ઉત્તરાર્ધમાં જ કાર્યરત થવા માટે તૈયાર થઈ જશે.’
તેઓએ એમ પણ કહ્યું હતું કે ‘વડા પ્રધાનની ૨૦૩૬ના ઑલિમ્પિકની યજમાની માટેના ઇરાદાની જાહેરાત અનુસાર રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં રમતગમત, શિક્ષણ અને કૌશલ્ય માળખાગત સુવિધામાં સુધારો કરવા માટે, પ્રયાસો કરવા માટે અન્ય કેટલાક ભાગીદારો સાથે જોડાશે.’ તેઓએ કહ્યું હતું કે ‘ગુજરાત એકલું જ ૩ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બની રહ્યું છે. દરેક ગુજરાતી અને દરેક ભારતીયને વિશ્વાસ છે કે મોદીયુગ ભારતને સમૃદ્ધિ, પ્રગતિ અને ગૌરવનાં નવાં શિખરો પર લઈ જશે.’