28 February, 2024 09:34 AM IST | Ahmedabad | Shailesh Nayak
નારણ રાઠવાને બીજેપીનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારતા સી. આર. પાટીલ.
અમદાવાદ : ગુજરાતમાં ગઈ કાલનો દિવસ કૉન્ગ્રેસ માટે આંચકાજનક બની રહ્યો હતો. કૉન્ગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય નારણ રાઠવા સહિતના કૉન્ગ્રેસના નેતાઓ, કાર્યકરો સહિત એકસાથે સાડાદસ હજાર લોકો ગુજરાત બીજપીમાં જોડાઈ ગયા હતા. ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું કે મને લાગે છે કે એકસાથે ૧૦,૫૦૦ લોકો બીજેપીમાં જોડાયા હોય એણે ગુજરાત અને દેશમાં ઇતિહાસ રચ્યો છે.
ગુજરાતમાં કૉન્ગ્રેસના અગ્રણી અને રાજ્યસભાના સંસદસભ્ય નારણ રાઠવા તેમના પુત્ર સંગ્રામ રાઠવા અને અન્ય અગ્રણીઓ તેમ જ કાર્યકરોએ કૉન્ગ્રેસને રામ રામ કરતાં કૉન્ગ્રેસ માટે ઝાટકા સમાન ઘટના બની હતી. ગુજરાત બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા આવકાર કાર્યક્રમમાં સી. આર. પાટીલે સૌને બીજેપીનો ખેસ અને ટોપી પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સૌને સંબોધતાં સી. આર. પાટીલે કહ્યું કે ‘૧૦,૫૦૦થી વધુ કાર્યકરો જોડાઈ રહ્યા છે. મને લાગે છે કે આપણા દેશના ઇતિહાસમાં કોઈ એક પાર્ટી છોડીને મોદીસાહેબના વિચાર પર વિશ્વાસ કરીને, ગૅરન્ટીમાં વિશ્વાસ કરીને એકસાથે ૧૦,૫૦૦ લોકો બીજેપીમાં જોડાયા હોય એ ગુજરાત અને દેશમાં ઇતિહાસ રચાયો છે.’
બીજેપીમાં જોડાયેલા નારણ રાઠવાએ કહ્યું હતું કે ‘ભારત સરકાર અને રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ ગામડાઓના લોકોને મળી છે. એને લીધે ગામડું સમૃદ્ધ થતું જાય છે. એ વખતે અમે કૉન્ગ્રેસમાં હતા અને કૉન્ગ્રેસમાં જે યોજનાઓ હતી એના કરતાં ડબલ યોજનાઓ ગ્રામીણ વિસ્તારના લોકો માટે ચાલુ કરી છે ત્યારે અમને થયું કે વિરોધ કરવા ખાતર વિરોધ ન કરવો જોઈએ. સાથે મળીને સહિયારા સહયોગથી ગ્રામીણ વિસ્તારના લોકોનું ભલું થાય એ પ્રમાણે કામ કરવાનું વિચારીને બીજેપીમાં જોડાયા છીએ.’
લોકસભાની ચૂંટણી માટે નવસારીમાં સી. આર.પાટીલ સામે પણ કાર્યકરોએ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી
અમદાવાદ : લોકસભાની ચૂંટણી માટે ગુજરાત બીજેપી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા દરમ્યાન ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સંસદસભ્ય સી. આર. પાટીલ સામે પણ બીજેપીના કાર્યકરોએ લોકસભાના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે. આવું ખુદ સી. આર. પાટીલે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું. સી. આર. પાટીલે કહ્યું હતું કે ‘મારી સામે પણ ચાર-પાંચ જણે ટિકિટ માગી છે. કરસન પટેલે માગી છે, હરજી પટેલે માગી છે. આજે પાર્લમેન્ટરી બોર્ડના નિરીક્ષકોને બોલાવ્યા છે. તેમનો રિપોર્ટ આપશે એટલે ખબર પડશે. અમે ત્રણ નામની પૅનલ બનાવીશું. બાકીના જે લોકોએ ટિકિટ માગી છે તેમનાં નામ પણ સાથે મોકલી આપીએ છીએ.’