વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ અને સપ્ત નદીઓના સંગમસ્થાન વૌઠામાં શરૂ થયો લોકમેળો

13 November, 2024 08:39 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાના પ્રારંભમાં જ એક લાખથી વધુ સહેલાણીઓ મેળામાં મહાલ્યા : વૌઠામાં ૭ નદીઓના સંગમસ્થાને સ્નાનનું માહાત્મ્ય

સોમનાથમાં શરૂ થયેલો મેળો

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ અને અમદાવાદ નજીક સપ્ત નદીઓના સંગમ સ્થળ વૌઠામાં ગઈ કાલથી હર્ષોલ્લાસ સાથે લોકમેળો શરૂ થયો હતો. સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પહેલા જ દિવસે એક લાખથી વધુ સહેલાણીઓ મહાલ્યા હતા.  

સોમનાથના મેળામાં મહાલવા આવેલા સહેલાણીઓ

સોમનાથમાં લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ રચતા મેળામાં ડાયરો, પરંપરાગત નૃત્યો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કલાકારોએ લોકોને રસતરબોળ કર્યા હતા. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં ગીરનું ગામડું અને પંચદેવ મંદિર ઊભાં કરવામાં આવ્યાં હતાં તો સિંહો, હાથીઓનાં સ્ટૅચ્યુ, કલ્પવૃક્ષ સહિતનાં આકર્ષણો મુકાતાં સહેલાણીઓ ત્યાં ફોટો પાડવા અને સેલ્ફી લેવા આકર્ષાયા હતા.

વૌઠામાં યોજાયેલા મેળામાં જાયન્ટ ચકડોળ જોવા મળી રહ્યાં છે

સોમનાથના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા

બીજી તરફ અમદાવાદ જિલ્લામાં આવેલા વૌઠા ખાતે ગઈ કાલથી લોકમેળાનો પ્રારંભ થયો છે. ચકલેશ્વર મહાદેવના સાંનિધ્યમાં આ મેળો યોજાય છે. આ મેળાનું ધાર્મિક મહત્ત્વ રહેલું છે. કારતક સુદ અગિયારસથી શરૂ થતો આ લોકમેળો કારતક સુદ પૂનમ સુધી ચાલે છે અને ગામ પંચાયત અને ગામનો લોકો એનું આયોજન કરે છે. આ મેળો વિધિવત્ રીતે ખુલ્લો મુકાયા બાદ ગુજરાતના પૂર્વ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે ‘સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, શેઢી, માઝમ અને મેશ્વો નદીઓનો સંગમ વૌઠામાં થાય છે અને વર્ષોથી નવા વર્ષની શરૂઆત બાદ આ મેળો વૌઠામાં યોજાય છે.’ 

somnath temple gujarat gujarat news