07 September, 2024 07:35 AM IST | Valsad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં વલસાડ પોલીસે માત્ર નવ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીને આરોપી ગુલામ મુસ્તફા મોહમ્મદ ખલીફાને સજા થાય એ માટે પૂરતા પુરાવાઓ એકત્ર કરીને રજૂ કર્યા છે. ઉમરગામના ગાંધીવાડીમાં પાડોશમાં રહેતો ગુલામ મુસ્તુફા મોહમ્મદ ખલીફા તેના મિત્રની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરીને નાસી જતાં લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ ઘટના બાદ નાસી ગયેલા આરોપીને વલસાડ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના પાલઘરથી ઝડપી લીધો હતો. આ કેસ ફાસ્ટટ્રૅક કોર્ટમાં ચલાવવા દરખાસ્ત કરવામાં આવી હતી. વાપી અને ઉમરગામના પોલીસ-અધિકારીઓની તપાસ સમિતિએ આધાર-પુરાવાઓ સાથે ૪૭૦ પાનાંની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી છે. ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગરીબ પરિવારની દીકરી પર જે ઘટના બની છે એમાં કેન્દ્ર સરકારના કાયદા અંતર્ગત આરોપીને કડકમાં કડક સજા મળશે.