વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવનો આજે પ્રારંભ

07 November, 2024 10:01 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

મધ્ય ગુજરાતમાં આવેલા યાત્રાધામ વડતાલમાં બેસતા વર્ષે ૫૦૦૦ વાનગીઓનો મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો

મહાઅન્નકૂટનાં દર્શન.

ગુજરાતમાં કદાચ પહેલી વાર એવું બનશે કે ચાર વેદની બધી શાખાના ૫૦ બ્રાહ્મણો ભારતભરમાંથી અહીં આવીને વેદપારાયણ કરશે: ૧૦,૦૦૦ મહિલાઓ માથે કળશ અને પોથી મૂકીને શોભાયાત્રા યોજી સભામંડપમાં આવશે: પોથીયાત્રામાં મિલિટરીની તોપ, ગજરાજ, ભજનમંડળ અને બૅન્ડ આકર્ષણનું કેન્દ્ર બનશે 

મધ્ય ગુજરાતમાં આવેલા યાત્રાધામ વડતાલ ધામમાં આજથી શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે. સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ૧૦,૦૦૦ મહિલાઓ માથે કળશ અને પોથી મૂકીને શોભાયાત્રા યોજીને સભામંડપમાં આવશે. આ મહોત્સવમાં ગુજરાતમાં કદાચ પહેલી વાર એવું બનશે કે ચાર વેદની બધી શાખાના ભારતભરમાંથી ૫૦ બ્રાહ્મણો અહીં આવીને વેદપારાયણ કરશે.

વડતાલ ધામમાં રોશનીનો નઝારો.

વડતાલ ધામ સ્વામીનારાયણ મંદિરના કોઠારી ડૉ. સંતવલ્લભદાસ સ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ભગવાન સ્વામીનારાયણે વિક્રમ સંવત ૧૮૮૧ કારતક સુદ બારસે જ્યાં વડતાલ મંદિરનો પ્રથમ શિલાન્યાસ કરી શ્રી લક્ષ્મીનારાયણદેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા-કૃષ્ણદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી એ ગુજરાતના યાત્રાધામ વડતાલમાં આજથી ૧૫ નવેમ્બર સુધી શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ યોજાશે. વડતાલમાં સ્વામીનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી હતી. આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને વડતાલ ગાદીના સદ્ગુરુ તપસ્વી તમામ સંતોના શુભ આશિષથી આયોજિત આ મહોત્સવમાં અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાતમાં કદાચ પહેલી વાર એવું બનશે કે ચાર વેદની બધી શાખાના ભારતભરમાંથી ૫૦ બ્રાહ્મણો અહીં આવીને વેદપારાયણ કરશે. આ ઉપરાંત ૩૦૦ જેટલા બ્રાહ્મણો યજ્ઞ કરશે. શ્રીમદ સત્સંગી જીવન અંતર્ગત વડતાલધામ માહાત્મ્યની કથા તેમ જ શ્રીજી પ્રસાદી માહાત્મ્યની કથાનું રસપાન જ્ઞાનજીવન સ્વામી કરાવશે. દરરોજ દૈનિક મહાપૂજા, ૧૪ કલાક અખંડ ધૂન, સવારે ૭થી સાંજે ૭ વાગ્યા દરમ્યાન મંત્રલેખન, સંકીર્તન સહિતના કાર્યક્રમો ઉપરાંત મેડિકલ કૅમ્પ તેમ જ રક્તદાન કૅમ્પ પણ યોજાશે. રોજ રાતે કલાકારોના કાર્યક્રમ યોજાશે. આ મહોત્સવ દરમ્યાન અંદાજે ૨૫થી ૩૦ લાખ જેટલા હરિભક્તો દેશ-વિદેશથી આવશે. તેમના ઉતારાની અને ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.’

વડતાલ ધામમાં પુરુષ અને મહિલા હરિભક્તો તૈયારીમાં લાગ્યાં હતાં. 

૫૦૦૦ વાનગીઓના મહાઅન્નકૂટનો પ્રસાદ વહેંચાયો વૃદ્ધાશ્રમ, દિવ્યાંગો અને અનાથાશ્રમમાં

મધ્ય ગુજરાતમાં આવેલા યાત્રાધામ વડતાલમાં બેસતા વર્ષે ૫૦૦૦ વાનગીઓનો મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટનો પ્રસાદ ખેડા અને આણંદ જિલ્લાના વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ શાળાઓ, અનાથાશ્રમો, દરિદ્રનારાયણ તેમ જ જરૂરિયાતમંદોમાં વિતરિત કરવામાં આવ્યો હતો.

કોઠારી ડૉ. સંતવલ્લભદાસ સ્વામીએ દાવો કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સનાતન પરંપરામાં ગુજરાતમાં પહેલી વાર એવું બન્યું હશે કે બેસતા વર્ષના દિવસે ૫૦૦૦ વાનગીઓનો અન્નકૂટ યોજાયો હોય. આ અન્નકૂટનનાં દર્શન દોઢ લાખ હરિભક્તોએ કર્યાં હતાં. હરિમંડપ પાછળ ૧૯,૨૧૦ સ્ક્વેર ફુટ જગ્યામાં વિશાળ ડોમ બનાવ્યો હતો જેમાં વિવિધ વાનગીઓ, ફરસાણ, શાકભાજી, ફળો, મીઠાઈ અને ૧૬૦ જાતનાં અથાણાં પણ અન્નકૂટમાં ધરાવાયાં હતાં.’

ઉલ્લેખનીય છે કે ૫૦૦૦ વાનગીઓનો અન્નકૂટ બનાવવા માટે હૈદરાબાદથી ૧૫ સંતોની ટીમે મૅનેજમેન્ટ સંભાળી લીધું હતું અને ૧૫ દિવસમાં વિવિધ પ્રકારની વાનગીઓ, મીઠાઈઓ, ફરસાણ બનાવવામાં આવ્યાં હતાં. અન્નકૂટનો પ્રસાદ બનાવવા માટેની સેવા ૩૦૦૦થી વધુ પુરુષ અને મહિલા હરિભક્તોએ કરી હતી.

મહોત્સવનું વિહંગાવલોકન.

જાણવા જેવું
આજે ૫૦૦૦ મહિલાઓ માથે કળશ મૂકશે અને ૫૦૦૦ મહિલાઓ માથે પોથી મૂકીને શોભાયાત્રામાં જોડાશે. આ શોભાયાત્રામાં મહિલા મંડળો ઉપરાંત ૧૦ બગીઓ, શણગારેલાં ટ્રૅક્ટર, ૪ ગજરાજ, ૩૦ ઘોડા, મ્યુઝિક બૅન્ડ, ઢોલમંડળી તેમ જ ભજનમંડળ ઉપરાંત પોથીયાત્રામાં મિલિટરી તોપ પણ હશે.

 

gujarat news gujarat ahmedabad swaminarayan sampraday culture news religious places