08 October, 2024 01:26 PM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
ગૅન્ગ-રેપમાં ઝડપાયેલા આરોપીઓ સાથે પોલીસ-કર્મચારીઓ
વડોદરામાં ભાયલી ખાતે બીજા નોરતાની મધરાતે બનેલી સગીરા પર ગૅન્ગ-રેપની ઘટનામાં વડોદરા શહેર અને ગ્રામ્યની પોલીસે ૪૫ કિલોમીટર સુધીનાં ૧૧૦૦થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ તપાસીને દુષ્કર્મ કરનારા ત્રણ વિધર્મી આરોપીઓને ૪૮ કલાકમાં ઝડપી લીધા હતા.
વડોદરાના તાંદલજામાં રહેતા મુન્ના બંજારાની સંડોવણી હોવાની જાણ થતાં પોલીસ વહેલી સવારે તેના ઘરે પહોંચી ગઈ હતી અને તેને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતાં આ ગુનામાં તેની સાથે આફતાબ બંજારા અને શાહરુખ બંજારા પણ સામેલ હતા એટલે પોલીસે આ બન્ને આરોપીઓને પણ તાંદલજા વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. આ ત્રણેય મૂળ ઉત્તર પ્રદેશના છે. તેઓ ભાયલી ખાતે નિર્જન વિસ્તારમાં બેઠેલા કપલને જોઈને સગીરા પર ગૅન્ગ-રેપ કરીને તેનો મોબાઇલ લૂંટીને નાસી ગયા હતા.
૧૬ વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનારા ત્રણ આરોપીઓને ગઈ કાલે જ્યારે વડોદરા હૉસ્પિટલમાં તપાસ માટે લવાયા ત્યારે આરોપીઓને પોલીસના ટેકાથી ચાલવુ પડ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. એથી નીચતાભર્યું કૃત્ય આચરનારા ત્રણ આરોપીઓની પોલીસે સરભરા કરી કે શું એવી ચર્ચા થઈ રહી હતી.
ઘટના શું હતી?
સગીરાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ૨૦૨૪ની ૪ ઑક્ટોબરે તે તેના મિત્ર સાથે ટૂ-વ્હીલર પર વડોદરાના સેવાસી ભાયલી કનૅલ રોડ પર રાતે બેઠી હતી ત્યારે સાડાઅગિયાર-પોણાબાર વાગ્યાના સુમારે બે બાઇક પર આવેલા પાંચ જણે આ કપલની પૂછપરછ કરી હતી. એ પૈકી બીજી બાઇક પર આવેલા બે જણ તેમની સાથેના ત્રણ જણને આ કપલને જવા દે-જવા દે એમ કહીને ત્યાંથી નીકળી ગયા હતા, જ્યારે ત્રણ આરોપીઓએ સગીરાના મિત્રને પકડી રાખીને સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કરીને ગૅન્ગ-રેપ કર્યો હતો અને પોલીસ અથવા કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપીને સગીરાનો મોબાઇલ ઝૂંટવીને નાસી ગયા હતા.