18 January, 2024 09:54 PM IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના વડોદરા (Vadodara Boat Accident)ના હરણી તળાવમાં ગુરુવારે બપોરે એક બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 13 બાળકો અને 2 શિક્ષકોનાં મોત થયાં હતાં. બોટમાં સવાર બાકીના 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવાયા છે. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તેની હાલત વિશે હજુ સુધી માહિતી મળી નથી.
અકસ્માત (Vadodara Boat Accident)નો ભોગ બનેલા તમામ બાળકો વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કૂલના છે. આ બાળકો કે શિક્ષકોમાંથી કોઈએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા. આ કારણોસર, જ્યારે બોટ પલટી ગઈ, ત્યારે બધા પાણીમાં ડૂબી હતા.
બાળકોનું ડૂબવું હૃદયદ્રાવક છેઃ ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું છે કે, “વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી બાળકોના ડૂબી જવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. જીવ ગુમાવનારા માસૂમ બાળકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.”
તેમણે કહ્યું કે, “દુઃખના આ સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હાલ બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક રાહત અને સારવાર આપવા તંત્રને સૂચના આપવામાં આવી છે.”
જવાબદારો સામે પગલાં લેવાશેઃ ધારાસભ્ય કૌર
રોખડિયાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહ્યું કે, “આ ઘટના દુઃખદ છે. આ ઘટનામાં કોઈપણ ક્ષતિની ગંભીરતા, નાની કે મોટી, નોંધવામાં આવશે. હાલ પ્રાથમિકતા આ બાળકોને બચાવવાની છે, જે પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં ન આવ્યું હોય તો તેની પણ તપાસ કરવામાં આવશે.”
આ ઘટના અંગે સરકારને તાકીદે ધ્યાન દોરવા વિનંતીઃ ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, “આ ઘટના દુઃખદ છે. આ સરકારના પીપીપી મોડલની નિષ્ફળતા છે. સરકાર એવા ઘણા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે, જેઓ લાઈફ જેકેટ વગર અને નિયમોનું પાલન કર્યા વિના બોટ રાઈડ પૂરી પાડે છે, જેના કારણે અવારનવાર આવી ઘટનાઓ બને છે.” વડોદરાના કલેક્ટર એ.બી. ગોરે જણાવ્યું હતું કે બોટની ક્ષમતા 16 મુસાફરોની હતી, પરંતુ તેમાં 27 લોકો સવાર હતા.
બચાવ કામગીરીમાં લાગેલા મુકેશે જણાવ્યું કે, “જ્યારે આ ઘટના બની ત્યારે અમે અમારા ગેરેજમાં હતા. તે તળાવની બરાબર સામે છે. અચાનક બે શિક્ષકોએ બૂમો પાડી અને અમે દોડી આવ્યા. ત્યાં મેડમે કહ્યું કે બોટ ઊંધી છે. અમે ગ્રીલ ઉપરથી કૂદીને સીધા અંદર ગયા. એક મેડમને ડૂબતાં જોયાં હતાં. એક વિદ્યાર્થી કાદવમાં ફસાઈ ગયો હતો અને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. બધાના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. એટલામાં એમ્બ્યુલન્સ આવી અને બધાને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.”