27 March, 2023 07:31 AM IST | Rajkot | Rashmin Shah
કેસર કેરી મોડી પણ, મોંઘી પણ
ઉનાળામાં સૌથી પહેલાં આફૂસ કેરી જોવા મળે અને એપ્રિલના અંતભાગમાં માર્કેટમાં કેસર કેરી પણ સહજ રીતે મળવા માંડે, પણ આ વખતે એવું બનવાની સંભાવના નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગયા અઠવાડિયે ગુજરાતમાં જોવા મળેલા ચોમાસાને લીધે આંબા પર આવેલા મોર ખરી જવાની ઘટના ગુજરાતના તાલાલા-ગીર પંથકમાં બની હોવાથી આ વખતે કેસર કેરી મોડી પડશે અને મોંઘી પણ મળશે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સભ્ય એવા તાલાલા-ગીરના ખેડૂત એચ. એચ. ગરસનિયાએ કહ્યું કે ‘નવા મોર આવવાના હજી શરૂ થયા ત્યાં જ એક વીક સુધી માવઠું અને ધાબળિયું વાતાવરણ રહેતાં એ મોર કાં તો ખરી ગયા છે અને કાં તો એમાં જીવાત પડી ગઈ છે. કેસરને હજી વાર છે, એટલે એમ વાંધો નહીં આવે, પણ એવું કહી શકાય કે કેસરનો પહેલો ફાલ મોટા ભાગે ખરી ગયો છે એટલે હવે કેસર મોડી પડશે અને પાક ઓછો થતાં ભાવમાં પણ એની અસર દેખાશે.’
ગુજરાતના જૂનાગઢ અને અમરેલી જિલ્લા કેસર કેરીના પ્રોડક્શનમાં સૌથી આગળ છે. આ જિલ્લાઓમાં દર વર્ષે ૨૦,૦૦૦ હેક્ટર જમીન પર પાક લેવામાં આવે છે, જે સામાન્ય રીતે બે લાખ ટન જેટલો ફાલ આપે છે, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વખતે એ પાકમાં નિશ્ચિતપણે ઘટાડો દેખાવાનો છે. તો સાથોસાથ ફાલ મોડો આવવાને કારણે મુંબઈકરને કેસર ખાવા મોડી મળશે અને મોંઘી પણ મળશે.