ગુજરાતમાં માવઠાનો માર યથાવત્ : વાવ તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો

31 March, 2023 02:01 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

યાત્રાધામ અંબાજીમાં અને થરાદમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ગુજરાત પર માવઠાનો માર યથાવત્ રહેવા પામ્યો છે. ગઈ કાલે પણ સાંજે છ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૯ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં બનાસકાંઠાના વાવ તાલુકામાં એક ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો.

બનાસકાંઠાના વાવમાં એક ઇંચ અને થરાદ તાલુકામાં ૧૨ મિમી એટલે કે અડધા ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત યાત્રાધામ અંબાજીમાં અને થરાદમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે થરાદ અને અંબાજીના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. બનાસકાંઠાના વાવ અને થરાદ ઉપરાંત લાખણી, અમીરગઢ, ધાનેરા, સુઇગામ, દાંતીવાડા, વડગામ અને પાલનપુર તાલુકામાં કમોસમી પડ્યો હતો. આ ઉપરાંત સાબરકાંઠાના વિજયનગર અને ઇડર, દેવભૂમિ દ્વારકાના દ્વારકા, ભાણવડ અને ખંભાળિયા, જામનગરના જામજોધપુર, કચ્છના નખત્રાણા અને મહેસાણા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો.

gujarat news ahmedabad Gujarat Rains