04 April, 2023 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ જાણે કે ચોમાસું બેઠું હોય એમ છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા કમોસમી વરસાદ પરથી વર્તાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલા માવઠાનું સંકટ હજી ગુજરાત પરથી ટળ્યું નથી અને હજી પણ ત્રણ દિવસ ઉનાળામાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. હજી તો માંડ વરસાદ શાંત પડ્યો છે ત્યાં ફરી એક વાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ગુજરાતમાં ૫ એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં અને ૬ એપ્રિલે અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. ૭ એપ્રિલે ભરૂચ, સુરત, નર્મદા અને તાપી તેમ જ કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.