ઉનાળામાં કમોસમી વરસાદે ધામા નાખ્યા ગુજરાતમાં : ગુજરાતવાસીઓ પૂછી રહ્યા છે કે ઉનાળો છે કે ચોમાસું?

23 March, 2023 10:35 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સાંજે છ વાગ્યા સુધીમાં રાજકોટમાં સવા ઇંચ, અંજારમાં એક ઇંચ, નખત્રાણા અને જૂનાગઢમાં અડધા ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો : સૌરાષ્ટ્રના કેટલાક માર્કેટ યાર્ડમાં ખેતપેદાશ પલળી ગઈ , ખેડૂતોની ચિંતા વધી ગઈ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ગુજરાતમાં જાણે કે ઉનાળામાં ચોમાસાની સીઝન જામી હોય એમ છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે જાણે કે સૌરાષ્ટ્ર-કચ્છને બાનમાં લીધા હોય એમ સાંજે છ વાગ્યા સુધીમાં ૨૧ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટમાં સવા ઇંચ જેટલો અને કચ્છના અંજારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આટલું ઓછું હોય એમ આજે પણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગઈ કાલે સૌરાષ્ટ્ર–કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠું થયું હતું. જૂનાગઢ પર્વત પરથી ઝરણાં વહ્યાં હતાં. ક્યાંક ભારે પવન સાથે તો ક્યાંક ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજકોટમાં બપોરે બેથી ચાર વાગ્યા દરમ્યાન સવા ઇંચ જેટલો, કચ્છના અંજારમાં એક ઇંચ જેટલો, જ્યારે નખત્રાણામાં ૧૩ મિમી અને જૂનાગઢમાં ૧૨ મિમી એટલે કે અડધા ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈ કાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર–કચ્છનાં રાજકોટ, અંજાર, નખત્રાણા, જૂનાગઢ શહેર અને અમરેલી, જેતપુર, જામજોધપુર, ધોરાજી, ગોંડલ, જાફરાબાદ, ધારી, બાબરા, પા​લિતાણા, ધારિયાધાર, ખાંભા, રાજુલા, ચોટીલા, ગાંધીધામ, ખંભાળિયા અને લાલપુર સહિત ૨૧ તાલુકાઓમાં માવઠું થયું હતું. 

આ પણ વાંચો:  સુરતમાં ૮૫ મીટર ઊંચો કૂલિંગ ટાવર ધરાશાયી કરાયો

કચ્છના અબડાસાના જખૌ બંદર પર તેજ પવન ફૂંકાયો હતો. માંડવી બીચ પર પણ ભારે પવન ફૂંકાયો હતો. દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ તાલુકા તેમ જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. 

ઊભા પાક પર વરસાદ પડતાં ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. માવઠાના કારણે સૌરાષ્ટ્રના કેટલાક માર્કેટ યાર્ડમાં ખેતપેદાશો પલળી ગઈ હતી. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળતાં તેઓના હાલ બેહાલ થયા છે.

gujarat news Gujarat Rains shailesh nayak ahmedabad