01 January, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાત પોલીસે વાઇરલ કરેલા વિડિયોમાંથી ગ્રૅબ કરેલી તસવીર, સુરત પોલીસે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા મેસેજમાંથી ગ્રૅબ કરેલી તસવીર.
૨૦૨૪ના વર્ષનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો અને નવા વર્ષને આવકારવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો હતો એવા સમયમાં લોકો શાંતિપૂર્ણ માહોલમાં અને છાકટાગીરી કર્યા વગર નવા વર્ષની ઉજવણી કરે એ માટે નશાખોરો અને અસામાજિક તત્ત્વોને નવા વર્ષની પૂર્વસંધ્યાએ ગુજરાત પોલીસે ફિલ્મીસ્ટાઇલમાં મેસેજ આપીને સાનમાં સમજાવી દીધા હતા. એટલું જ નહીં, સુરત પોલીસે ગઈ કાલે ડ્રાઇવ યોજીને ૨૦૦ દારૂડિયાઓને ઝડપી લીધા હતા.
ગુજરાત પોલીસે ગઈ કાલે એક વિડિયો-મેસેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. આ વિડિયોમાં પોસ્ટર દ્વારા જણાવ્યું હતું કે ‘નવા વર્ષની પૂર્વસંધ્યાએ ગુજરાત પોલીસની અભૂતપૂર્વ ઑફર. આતિથ્ય–સરભરા સાથે મફત પિક-અપની વ્યવસ્થા. આ ઑફર રેશ ડ્રાઇવરો, નશાખોર ડ્રાઇવરો અને સમાજવિરોધી તત્ત્વો માટે છે અને તેમના પર નજર પણ છે એટલે અમારી આ ઑફરનો લાભ શક્ય એટલો ન લેવા વિનંતી છે.’
સુરત પોલીસે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શૅર કર્યું હતું, જેમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મોનાં નામ એવી રીતે સીક્વન્સમાં મૂક્યાં હતાં જેના દ્વારા તોફાની તત્ત્વો માટે મોઘમમાં એક મેસેજ બન્યો હતો. ફિલ્મના ટાઇટલમાં મેસેજ આપતાં સુરત પોલીસે પોસ્ટરમાં લખ્યું છે કે આજે વર્ષનો ‘છેલ્લો દિવસ’ છે. તમને થશે ‘ચાલ જીવી લઈએ’ અને તમે ‘ગ્રૅન્ડ મસ્તી’ ભલે કરો પણ ‘ઍનિમલ’ બનીને ‘કમઠાણ’ મચાવ્યું તો અમે કહીશું ‘ભલે પધાર્યા’