24 January, 2025 06:58 AM IST | Kutch | Shailesh Nayak
મેઘજી હીરાણી, તેમનાં માતા પુરબાઈ, ધર્મપત્ની હિરલબહેન, દીકરી દીપિકા અને બે પુત્ર રાહુલ તથા નિકુંજ.
કચ્છના નાની નાગલપર ગામે આજે યોજાઈ રહેલો લગ્નપ્રસંગ સંપૂર્ણપણે ગૌઆધારિત: પ્રકૃતિના જતન અને સંવર્ધનની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિને અનુસરીને થશે ઉજવણી
કચ્છના અંજાર તાલુકામાં આવેલા નાની નાગલપર ગામમાં આજે યોજાનારાં એક અનોખાં લગ્નમાં કન્યાને વળાવતી વખતે ગાયનું દાન આપવામાં આવશે. એની સાથે-સાથે આ લગ્નપ્રસંગ ગૌઆધારિત બની રહેશે. સંભવિત રીતે આ પહેલાં એવાં અનોખાં લગ્ન થવા જઈ રહ્યાં છે જેમાં કન્યાદાનથી માંડીને મંડપની સજાવટ, ભોજનમાં પણ ગાય અને એનાં દૂધ-ઘીની બનાવટને આવરી લઈને મંગળ પ્રસંગ ઊજવાશે. એટલું જ નહીં, પ્રકૃતિના જતન અને સંવર્ધનની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિને અનુસરીને આ લગ્નપ્રસંગ ઊજવાશે.
ગાયના ગોબરથી ડેકોરેટ કરેલી ચોરી
આ લગ્નપ્રસંગ માટેની કંકોતરી ગાયના છાણમાંથી બનાવવામાં આવી હતી. લગ્નમાં મંડપસજાવટ ગાયના ગોબરથી થઈ છે, ભોજનમાં ગાયનાં ઘી-દૂધ સહિતની વસ્તુઓ ઉપયોગમાં લેવાઈ છે તથા ગૌઆધારિત ખેતીથી પકવેલાં અનાજ અને શાકભાજીનો ઉપયોગ થઈ રહ્યો છે. તાંબા-પિત્તળનાં વાસણોમાં રસોઈ બની રહી છે. કન્યાને ૧૦૮ વૃક્ષોના છોડ કન્યાદાનમાં અપાશે, પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં થાય. જે મહેમાનો આવે તેમણે જ્યાં સુધી લગ્નવિધિ પૂરી ન થાય ત્યાં સુધી બેસવું અનિવાર્ય રહેશે અને લગ્નમંડપની બહાર બૂટ-ચંપલ કાઢીને જ મંડપમાં પ્રવેશ કરવાનો રહેશે. ગાયનું મહત્ત્વ, સનાતન સંસ્કૃતિના જતન અને પ્રકૃતિના સંવર્ધનને લઈને નાની નાગલપર ગામના મેઘજી હીરાણી અને તેમનો પરિવાર દીકરી દીપિકાનાં લગ્નમાં આ આવકારદાયક, ઉદાહરણીય અને સરાહનીય પહેલ કરી રહ્યા છે.
નાની નાગલપર ગામમાં રહેતા મેઘજી હીરાણીની દીકરી દીપિકાનાં લગ્ન આજે ૨૪ જાન્યુઆરીએ થઈ રહ્યાં છે. ગૌમાતાને ધ્યાનમાં રાખીને દીકરીનાં લગ્ન કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે વાત કરતાં મેઘજી હીરાણી ‘મિડ- ડે’ને કહે છે, ‘૨૦૦૦ના વર્ષથી હું ગાય-આધારિત ખેતી કરું છું અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં ગૌસેવા ગતિવિધિઓની જવાબદારી સંભાળું છું. ગાયના છાણ પર કામ કરી રહ્યો છું અને એમાંથી કંઈકેટલીયે વસ્તુઓ બનાવીએ છીએ. લોકોને આ લગ્નના માધ્યમથી એક મેસેજ જાય કે ગાય કેટલું બધું કરી શકે છે. સમાજને દર્શન કરાવવું છે કે ગાયનું છાણ કેટલું મહત્ત્વનું છે. ગાય અને એનું છાણ, મૂત્ર, દૂધ, ઘી સહિતની વસ્તુઓ આપણા રોજબરોજના જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને એ આપણા માટે આરોગ્યપ્રદ છે. આ લગ્નમાં ગાયને અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વૈદિક પદ્ધતિથી મારી દીકરી દીપિકાનાં લગ્ન કરાવવાનો છું.’
ગાયના ગોબરથી ડેકોરેટ કરેલો મંડપ
ગૌપાલકો અને ખેડૂતોને ઑર્ડર આપ્યા
લગ્નપ્રસંગમાં ભોજનનું એક આગવું સ્થાન હોય છે અને બધાને એનાથી સંતુષ્ટિ પણ થતી હોય છે ત્યારે આ લગ્નપ્રસંગમાં ભોજન માટે વિશેષ પ્રબંધ કરવામાં આવ્યો છે અને એને માટે જેમના ઘરે ગાયો હોય અને ગૌઆધારિત ખેતી કરતા હોય એવા ગૌપાલકો અને ખેડૂતોને ઍડ્વાન્સમાં ઑર્ડર અપાયા છે એ વિશે વાત કરતાં મેઘજી હીરાણી કહે છે, ‘હું મારે ત્યાં ૫૦ ગાય રાખું છું. ચાર એકર જમીનમાં ખેતી કરું છું એટલે મારે ત્યાં લગ્નપ્રસંગમાં ભોજન ગૌઆધારિત છે. ગાયનું ઘી, દૂધ, માખણ, પનીર, છાશ છે. ગાય-આધારિત ખેતીથી ઉગાડેલું અનાજ છે તેમ જ ફળફળાદિ, કઠોળ અને શાકભાજી પણ એના દ્વારા ઉગાડેલાં છે. કચ્છનાં ગામડાંઓમાં ગૌવંશ ખૂબ છે. લોકો ઘરે ગાય રાખે છે એટલે તેમની પાસેથી દૂધ-ઘી ખરીદ્યાં છે. એ દ્વારા તેમને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ ગાય રાખતા થાય. આ રીતે શાકભાજી માટે પણ ત્રણ-ચાર ખેડૂતો પાસે પહેલાંથી જ વાવેતર કરાવી લીધું છે. કુલ મળીને ૮ ખેડૂતો પાસેથી ટમેટાં, રીંગણાં, કોબી, ફ્લાવર, મેથી, પાલક, દૂધી, વાલોળ સહિતનાં શાકભાજી, હળદર, મરચાં તેમ જ ગાજરના હલવા માટેનાં ગાજર મગાવ્યાં છે. એ ઉપરાંત ખેડૂતો પાસેથી ઘઉં, બાજરો, ચોખા, મગ સહિતનાં ધાન્યો મગાવ્યાં છે.’
ગૌઆધારિત ભોજન કેમ?
ગાય-આધારિત ખેતીથી પકવેલાં ધાન્ય અને ગાયનાં જ દૂધ-ઘીનો લગ્નના ભોજન સમારંભમાં થનારા ઉપયોગ વિશે મેઘજીભાઈ કહે છે, ‘શાસ્ત્રમાં કહ્યું છે કે ‘અતિથિ દેવો ભવઃ’. અતિથિ આવે તેને અમૃત અપાય. અત્યારે આપણે જે ખાઈએ છીએ એ કેવું હોય છે એ આપણે જાણીએ છીએ. તો આપણે ત્યાં લગ્નપ્રસંગમાં જે મહેમાનો આવે તેમને શુદ્ધ અને સાત્ત્વિક ભોજન કેમ ન પીરસીએ? અમારે ત્યાં લગ્નપ્રસંગમાં આવનારા મહેમાનોને ચા નથી આપવાના; દૂધ, લસ્સી અને નૅચરલ શરબત આપીશું. ભોજનમાં ગાય-આધારિત ખેતીથી પકવેલાં અનાજનો ઉપયોગ થયો છે. એમાં બે વાત છે, એક તો આરોગ્ય સાથે એ જોડાયેલું છે અને બીજું એ કે લોકો ગાય-આધારિત ખેતી તરફ વળે એને પ્રોત્સાહન આપવું. ગાયનાં ઘી-દૂધ આરોગ્યવર્ધક છે જેથી લોકો એ પીએ તો તેમના આરોગ્ય માટે પણ સારું રહેશે.’
રસોઇયાઓ નિર્વ્યસની
હીરાણી પરિવારે આંગણે યોજાનારાં લગ્નમાં ભોજન આરોગ્યપ્રદ બની રહે એ માટે પણ વ્યવસ્થા કરી છે. મેઘજીભાઈ કહે છે, ‘અમે રસોઇયાઓ પણ વ્યસન ન કરતા હોય એવા શોધ્યા છે. એનું કારણ એ છે કે જો કોઈ વ્યસની હોય તો તે ગમે ત્યાં થૂંકે અને ભોજનની પવિત્રતા જળવાય નહીં. લગ્ન એક સંસ્કાર છે એટલે ભોજનની પણ એટલી જ કાળજી રાખવી પડે અને એની પવિત્રતા જળવાવી જોઈએ. જો વ્યસન કરતાં-કરતાં ભોજન બનાવે તો ભોજનની પવિત્રતા રહે નહીં એટલે અમે પહેલાંથી જ નક્કી કર્યું કે વ્યસન ન કરતા હોય તેવા રસોઇયા રાખવા અને એ માટે રસોઇયાઓને પણ કહી દીધું છે. બીજું એ કે આ રસોઇયાઓ અમારે ત્યાં સવારે નાહીધોઈને જ રસોઈ બનાવશે અને ભોજનની પવિત્રતા જાળવશે.’
મંડપની સજાવટ ગોબરથી
લગ્નપ્રસંગ હોય એટલે મંડપનું ડેકોરેશન એનો મહત્ત્વનો હિસ્સો છે અને આજકાલ તો અવનવી થીમ પર ડેકોરેશન થતું હોય છે ત્યારે હીરાણી પરિવારને આંગણે ડેકોરેશન પણ ગાયના છાણમાંથી જ થયું છે અને એને માટે ૬ મહિના પહેલાંથી જ તૈયારી શરૂ થઈ ગઈ હતી. મેઘજી હીરાણી કહે છે, ‘લગ્નમંડપની સજાવટ ગાયના ગોબરથી કરી છે. પ્લાસ્ટિકની ખુરસીઓ કે એવી કોઈ વસ્તુનો ક્યાંય ઉપયોગ નથી કર્યો. શણના કંતાન પર ગાયના ગોબરનું લીંપણ કરીને એની વૉલ તૈયાર કરી છે. એના પર ચૂનાથી પેઇન્ટિંગ કરીને ગાયના અને વૈદિક પદ્ધતિનાં સૂત્રો લખ્યાં છે. ૫૦૦૦ સ્ક્વેર ફીટની લીંપણવાળી દીવાલ બનાવી છે. આ ઉપરાંત ગાયના છાણના ઓમકાર, સ્વસ્તિક, ગણપતિજી, પક્ષીઓ સહિતની સુશોભનની ૪૫૦૦થી વધુ સજાવટની વસ્તુઓ બનાવી છે. અમારા પરિવારના સભ્યો તેમ જ આડોશ-પાડોશના લોકો અને મિત્રો સાથે મળીને છેલ્લા છએક મહિનાથી આની તૈયારીઓ કરી રહ્યા હતા. જેમને સમય મળે ત્યારે અમારે ત્યાં આવે અને અમે બધાએ સાથે મળીને છાણનાં ૫૦૦૦ જેટલાં તોરણ, ઝાલર તેમ જ ૧૦થી વધુ મોટાં ઝુમ્મર પણ બનાવ્યાં. આ બધી વસ્તુઓ બનાવતાં એક સારી વાત એ બની કે પરિવારના સભ્યો તેમ જ પાડોશીઓ અને મિત્રો સાથે જોડાણ વધી ગયું, બૉન્ડ મજબૂત થયો છે. અમારે ત્યાં લગ્નમંડપમાં સંપૂર્ણ સજાવટ પ્રાકૃતિક છે અને એ પૉઝિટિવ ઊર્જા આપનારી બની રહેશે જેથી લગ્નમાં આવનારા લોકોને શાંતિ મળશે.’
ગાયના ગોબરમાંથી બનાવી કંકોતરી
મેઘજીભાઈના દીકરા રાહુલ જેનાં લગ્ન થોડા દિવસ પહેલાં થયાં હતાં તેની અને દીકરી દીપિકાનાં લગ્નની કંકોતરી ગાયના છાણમાંથી બની છે. ગાયનું છાણ તેમ જ મેંદા લાકડીનો પાઉડર મિક્સ કરીને ૧૦ પાનાંની સ્પેશ્યલ કંકોતરી બનાવી છે. મેંદા લાકડી એક વનસ્પતિ છે જેનો ઉપયોગ ગાયના છાણની કંકોતરી બનાવવા માટે કરવામાં આવ્યો જેથી કંકોતરીનો કાગળ બની શકે અને એના પર લખી પણ શકાય. ૧૦ પાનાંની કંકોતરીમાં લગ્નના વિવિધ માંગલિક પ્રસંગો ઉપરાંત આ લગ્નસમારંભની વિશેષતાઓ તેમ જ નિમંત્રિત સૌને પ્રસંગ વખતે શું ધ્યાનમાં રાખવું અને શું ન રાખવું એ વિશે વિનંતી પણ કરવામાં આવી છે.
ગાય અને ૧૦૮ વૃક્ષના છોડ
દરેક માતા-પિતા પોતાની વહાલસોયી દીકરીને પોતાની શક્તિ પ્રમાણે યથાયોગ્ય કન્યાદાન આપતાં હોય છે ત્યારે ગૌઆધારિત આ લગ્નમાં તો દીકરીને ગાય અને ૧૦૮ વૃક્ષના છોડ કન્યાદાનમાં અપાશે એ વિશે વાત કરતાં મેઘજી હીરાણી કહે છે, ‘હાલમાં પર્યાવરણની સમસ્યા છે. વૃક્ષો ઘટી રહ્યાં છે ત્યારે મેં વિચાર્યું કે હું મારી દીકરીને વૃક્ષના છોડ આપું, ગાય અને વાછરડી આપું. એ નક્કી પણ કરી લીધું એટલે જ્યારે દીકરીનાં લગ્ન થશે ત્યારે એક તરફ ગાયનું મંદિર હશે અને બીજી તરફ રાધાકૃષ્ણનું મંદિર હશે અને વચ્ચે લગ્નની ચોરી હશે. આમ મારી દીકરીનાં લગ્ન ગાય અને રાધાકૃષ્ણની સાક્ષીએ થશે. હું પીપળો, વડ અને ફળના, ઔષધિના તેમ જ લુપ્ત થતાં વૃક્ષના ૧૦૮ છોડ આપવાનો છું. કચ્છમાં લુપ્ત થતા છમકલીના વૃક્ષનો છોડ, સિંદૂર, ઉદંબરી તેમ જ કૈલાશપતિનો છોડ પણ આપવાનો છું. આ ઉપરાંત શિકાકાઈ, અરીઠા, ચેરી, લીચી તેમ જ ખાસ તો દેશી આંબાના છોડ આપીશ. દેશી આંબાની વિશેષ કલમ તૈયાર કરી છે, કેમ કે એ આંબા લુપ્ત થઈ રહ્યા છે એટલે એના રોપા આપવાનો છું.’
આ ગાય અને વાછરડી પણ અપાશે કન્યાદાનમાં
પિતાનો અનોખો સંકલ્પ
હીરાણી પરિવારમાં લગ્નપ્રસંગના ઢોલ ઢબૂકી રહ્યાં છે એની પાછળ એક સંકલ્પ પણ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે એ વિશે વાત કરતાં મેઘજી હીરાણી કહે છે, ‘દીકરી માટે મારે ત્યાં દેશ-વિદેશથી માગાં આવતાં હતાં, પરંતુ મેં દીકરીને મારી સાથે બેસાડીને ગાય તેમ જ ખેતીની વાત કરી હતી અને મેં સંકલ્પ કર્યો હતો કે જેમને ત્યાં ખેતી હશે અને ગાય રાખતા હશે તેમના ઘરે હું દીકરી આપીશ એટલે મારે ત્યાં અમારા વેવાઈ સગપણ કર્યું એ પહેલાં આવ્યા ત્યારે મેં તેમને મારા સંકલ્પની વાત કરી હતી. તેમની ખેતી છે, પણ દેશી ગાય નહોતી એટલે તેઓ તેમના ઘરે દેશી ગાય લઈ આવ્યા અને એ વાત મને કર્યા પછી તેમના દીકરા સાથે મારી દીકરીની સગાઈ કરી હતી. બીજી વાત એ કે લગ્નપ્રસંગને લઈને મેં વેવાઈને કહ્યું હતું કે મારે આવી પદ્ધતિથી લગ્ન કરાવવાનાં છે એમાં તમારો સહયોગ જોઈશે અને વેવાઈએ એનો સ્વીકાર કર્યો હતો એટલે મને રાહત થઈ હતી. મારાં માતા પુરબાઈ, મારી પત્ની હિરલ, મારી દીકરી દીપિકા અને બે દીકરા રાહુલ અને નિકુંજને પણ શાંતિ થઈ.’
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય એમ નહીં, દીકરી જ ગાયને દોરીને જશે સાસરે
આપણે ત્યાં કહેવત છે કે ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’ પણ હીરાણી પરિવારની દીકરી માટે આ કહેવત જરા જુદી પુરવાર થશે, કેમ કે અહીં તો દીકરી જ ગાયને દોરીને સાસરે જવાની છે. જેમનાં લગ્ન થવાનાં છે તે દીપિકા હીરાણી ‘મિડ-ડે’ને કહે છે, ‘આજકાલ લગ્નપ્રસંગમાં ખોટા ખર્ચ થાય છે ત્યારે મેં મારા પપ્પાને કહ્યું હતું કે મારાં લગ્ન એવાં કરજો જેમાં કોઈ દેખાડો ન થાય અને ગાયની સાક્ષીએ મારાં લગ્ન થાય, વિધિવિધાન સાથે લગ્ન થાય. મારી આ ઇચ્છા મારા પપ્પા પૂરી કરી રહ્યા છે. અમે ઘણા સમયથી ખેતી કરી રહ્યા છીએ એટલે ગાય સાથે મારું પહેલાંથી જોડાણ છે અને એટલે મારા પપ્પાને હું કહેતી હતી કે મને ગાય આપજો એટલે મારા પપ્પાએ મને ગાય લઈ આપી છે, એનું નામ મનોરમા છે. એને અમે લાડથી મનુ કહીને બોલાવીએ છીએ. આ ગાય મારા પપ્પા મને કન્યાદાનમાં આપવાના છે અને એ ગાયને લઈને હું સાસરે જવાની છું.’
મહેમાનો માટે આદરપૂર્વક નિયમો બનાવ્યા અને કેટલાક મહેમાનોએ અમલ શરૂ કર્યો
હીરાણી પરિવારમાં થઈ રહેલાં લગ્નમાં મહેમાનો માટે પણ આદરપૂર્વક નિયમો નક્કી કર્યા છે અને એને ફૉલો કરવા વિનંતી કરવામાં આવી છે. મેઘજી હીરાણી કહે છે, ‘લગ્ન એક સંસ્કાર છે એટલે મહેમાનોને પણ કેટલાક નિયમો પાળવાની વિનંતી કરવામાં આવી છે કે આપણી સંસ્કૃતિને છાજે એવા સંપૂર્ણ મર્યાદા સાથેના ભારતીય પહેરવેશમાં આવવું, ટૂંકાં કપડાં પહેરીને તેમ જ માથું ખુલ્લું રાખીને ન આવવું, સ્ત્રીઓ અને પુરુષો સૌએ તિલક-ચાંદલો કરીને આવવું, લગ્નમાં પૂર્ણ સમય ઉપસ્થિત રહેવું, બૂટ-ચંપલ મંડપની બહાર કાઢીને આવવું અને એને માટે મંડપની બહાર વ્યવસ્થા કરવામાં આવશે. પ્રસંગમાં ચા, બીડી, તમાકુ સહિત કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું નહીં. વ્યસન કરનારાઓએ પહેલાં બહાર મોઢું સ્વચ્છ કરીને મંડપમાં પ્રવેશ કરવાનો રહેશે. લગ્નવિધિ પૂરી થયા પછી જ ભોજન સમારંભ ચાલુ થશે. આ એટલા માટે કર્યું કેમ કે આપણી સનાતન સંસ્કૃતિના જતન અને પ્રકૃતિને સાથે રાખીને લગ્નપ્રસંગ કરવાનો હોવાથી મહેમાનો સહયોગ આપીને મારે ત્યાં લગ્નપ્રસંગને ઉદાહરણરૂપ બનાવશે એવી મને ખાતરી છે. આ નિયમનો વાંચીને ઘણા મિત્રોના ફોન આવ્યા કે તમારી પત્રિકા વાંચીને મેં વ્યસન મૂકી દીધું. એક મિત્રએ કહ્યું કે હું રોજની ૧૦ બીડી પીતો હતો, પણ તમારી પત્રિકા મળ્યા પછી હવે રોજની એક બીડી પીતો થયો છું અને તમારે ત્યાં લગ્ન આવશે એટલે બીડી પીવાની આદત છૂટી ગઈ હશે. અત્યાર સુધીમાં પાંચ મિત્રોએ તેમનાં વ્યસન ત્યજી દીધાં છે.’