માવઠાના મારથી ખેડૂતો મુશ્કેલીમાં

15 May, 2024 08:08 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં કમોસમી વરસાદના પગલે કેરી, ચીકુ, કેળાં, પપૈયાં, તલ, બાજરી, જુવાર, ડુંગળી સહિતના પાકને નુકસાન ઃ સરકારે સર્વેનું કામ શરૂ કરવા આપી સૂચના

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે ગુજરાત સરકારે ખેતીપાકને થયેલા નુકસાનનું સર્વે કરવા સૂચના આપી છે. હજી પણ ત્રણ દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

વલસાડ, નવસારી, વાંસદા, ડાંગ, પંચમહાલ, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, સાવરકુંડલા, બોટાદ, ઇડર, અરવલ્લી સહિતના પંથકમાં પડેલા કમોસમી વરસાદના પગલે કેરી, ચીકુ, કેળાં, પપૈયાં, તલ, બાજરી, જુવાર, ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે. મોટા ભાગનાં ખેતરોમાં તૈયાર પાક હતો એને નુકસાન થતાં ખેડૂતોના માથે ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. જોકે ગુજરાત સરકારના કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું કે ખેતીવાડીમાં નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવા સૂચના આપી છે.

ગઈ કાલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સાંજે ૬ વાગ્યા સુધીમાં ૮ તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત આહવા, છોટાઉદેપુર, ક્વાંટ, દાહોદ, ઇડર, ઝાલોદ અને ગરબાડા તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો.

હજી વરસાદ પડશે
હજી પણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. ૧૬ મેએ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં અલગ-અલગ સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૮ મેએ ડાંગ, નવસારી, વલસાડમાં અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

gujarat news Weather Update gujarat government