18 August, 2024 09:12 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કાનપુર પાસે સાબરમતી એક્સપ્રેસ ખડી પડ્યા પછી પાટાઓ પર બેઠેલા લોકો.
વારાણસીથી અમદાવાદ પાસેના સાબરમતી આવી રહેલી 19168 સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એન્જિન સાથે ભારે વસ્તુ ટકરાતાં એના બાવીસ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ આ અકસ્માત કેવી રીતે થયો એની તપાસ ઇન્ટેલિજન્સ બ્યુરો અને ઉત્તર પ્રદેશ પોલીસ કરી રહી છે. જે રેલવે ટ્રૅક પર અકસ્માત થયો હતો એના પર એક કલાક પહેલાં મધરાત બાદ ૧.૨૦ વાગ્યે પટના-ઇન્દોર ટ્રેન કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પસાર થઈ હતી. આમ આ અકસ્માત છે કે ભાંગફોડ એના વિશે તપાસ હાથ ધરાઈ છે. ઇન્ટેલિજન્સ બ્યુરો અને ઉત્તર પ્રદેશ પોલીસ તપાસ કરી રહી છે.
જ્યાંથી આ ટ્રેન પસાર થતી હતી એ વિસ્તાર રેલવે પરિભાષામાં હોલ્ડિંગ એરિયા ગણાય છે, જ્યાં રેલવેની સ્પીડ ઓછી રહે છે. ટ્રેન ધીમી સ્પીડે દોડતી હોવાથી એન્જિન ક્ષતિગ્રસ્ત થયા બાદ
ડબ્બા પાટા પરથી ખડી પડવા છતાં પ્રવાસીઓ ઘાયલ થયા નહોતા. પ્રવાસીઓને આગળના પ્રવાસ માટે રેલવેએ વિશેષ ટ્રેન અને બસની વ્યવસ્થા કરી હતી.
એકાએક ડબ્બા અટકી ગયા
આ અકસ્માત વિશે જાણકારી આપતાં નૉર્થ સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મધરાતે પ્રવાસીઓ ઊંઘમાં હતા અને એ સમયે મોટા અવાજ સાથે ટ્રેન હલવા લાગી હતી અને પછી એકાએક અટકી હતી. એથી પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. મધરાતે પ્રવાસીઓમાં ચીસાચીસ મચી હતી. જોકે બધા બચી ગયા હોવાથી તેમણે હાશકારો અનુભવ્યો હતો.’
રેલવેપ્રધાને શું કહ્યું?
આ અકસ્માત વિશે બોલતાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશ્યલ મીડિયા પોર્ટલ ઍક્સ પર લખ્યું હતું કે ‘કાનપુર પાસે ૨.૩૫ વાગ્યે રેલવે ટ્રૅક પર રાખવામાં આવેલી કોઈ વસ્તુ સાથે સાબરમતી એક્સપ્રેસનું એન્જિન ટકરાયું હતું જેથી ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. ટ્રેનના એન્જિન સાથે કોઈ વસ્તુ ટકરાઈ હતી અને એના નિશાન પણ મોજૂદ છે. આ પુરાવા સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ કેસની તપાસ ઇન્ટેલિજન્સ બ્યુરો અને ઉત્તર પ્રદેશ પોલીસ કરશે.’
એન્જિન-ડ્રાઇવરે શું કહ્યું?
સાબરમતી એક્સપ્રેસના એન્જિન-ડ્રાઇવરે કહ્યું હતું કે ‘એન્જિનની સામે મોટો બોલ્ડર આવી ગયો હતો અને એની સાથે ટક્કર બાદ એન્જિન ક્ષતિગ્રસ્ત થયું હતું.’