03 September, 2024 10:55 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
ગિફ્ટ સિટી બાદ હવે ગુજરાતમાં આકાશને આંબતાં બિલ્ડિંગ બનવા જઈ રહ્યાં છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં ૩૦ ઊંચાં બિલ્ડિંગ્સને મંજૂરી મળી છે જેમાં અમદાવાદમાં પચીસ, સુરત અને ગાંધીનગરમાં બે-બે અને વડોદરામાં એક સ્કાયસ્ક્રેપર બનશે જેમાં ૨૦ રહેણાક, ૭ કમર્શિયલ, બે મિક્સ્ડ યુઝ અને એક જાહેર બિલ્ડિંગનું નિર્માણ થશે.
દર વર્ષે ત્રીજી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ ઊજવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં ૨૦૧૭ સુધી બિલ્ડિંગ માટે મહત્તમ ૭૦ મીટરની ઊંચાઈ માન્ય હતી. શહેરી વિસ્તરણની જરૂરિયાત અને વર્ટિકલ ગ્રોથની સંભાવનાને જાણીને ગુજરાત સરકારે ૧૦૦ મીટરથી વધુ ઊંચાં, આઇકૉનિક બિલ્ડિંગ્સના નિર્માણને પ્રોત્સાહન આપતાં નિયમોમાં સુધારો કરવા માટે સક્રિય પગલાં લીધાં હતાં. ૨૦૨૧ની ૨૭ મેએ જાહેર થયેલા આ નવા નિયમોએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર જેવાં મોટાં શહેરોમાં ગગનચુંબી બિલ્ડિંગ્સના વિકાસ માટે માર્ગ મોકળો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગ્સના નિર્માણની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સરકારના નવા નિયમો ૫.૪ના મહત્તમ FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) સાથે હાઇરાઇઝ બિલ્ડિંગોને મંજૂરી આપે છે. આ નિયમો અમલમાં આવ્યા બાદ અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં ૩૦ સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગ્સને મંજૂરી આપવામાં આવી છે.