22 February, 2025 02:58 PM IST | Kutch | Gujarati Mid-day Correspondent
અકસ્માતમાં બસના આગળના ભાગના ફુરચા ઊડી ગયા હતા અને રસ્તા પર મુસાફરો પડ્યા હતા. લોકો તેમની મદદે દોડી આવ્યા હતા.
કચ્છમાં ભુજ-મુન્દ્રા હાઇવે પર ગઈ કાલે કરુણાંતિકા સર્જાઈ હતી, જેમાં કેરા પાસે ટ્રેલર અને ખાનગી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને પચીસ લોકોને ઈજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને ભુજની જી. કે. જનરલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ત્રણ વ્યક્તિની કન્ડિશન ગંભીર હતી.
કચ્છમાં ભુજ-મુન્દ્રા હાઇવે પર ભુજ તાલુકાના કેરા ગામની આગળ જાખાકાંઠા પાટિયા પાસે ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યે ભુજ તરફથી આવી રહેલી ખાનગી બસની સાથે ટ્રેલરનો ઍક્સિડન્ટ થયો હતો. ઍક્સિડન્ટ એવો ભયાનક હતો કે બન્ને વાહનો જોરથી અથડાતાં બસના આગળના ભાગના ફુરચા ઊડી ગયા હતા અને મુસાફરો ઊછળીને બહાર રોડ પર પટકાયા હતા. મુસાફરોની ચિચિયારીઓથી હાઇવે પર કાળજું કંપાવતો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતથી ઘટનાસ્થળે અને હૉસ્પિટલમાં લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસ પણ ઘટનાસ્થળે ધસી આવી હતી. ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. આ ઘટનાને પગલે કચ્છ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હૉસ્પિટલમાં દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે એ માટે વ્યવસ્થા કરાઈ હતી.