08 February, 2024 09:46 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
જામનગર ફાયર બ્રિગેડના જવાનોએ બાળકને હેમખેમ બહાર કાઢીને બચાવી લીધું હતું.
અમદાવાદ : સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં આવેલા ગોવાણ ગામની સીમમાં એક વાડીના ઊંડા બોરવેલમાં મંગળવારે સાંજે બે વર્ષનું બાળક પડી ગયું હતું, જેને જામનગર ફાયર બ્રિગેડની ટીમે ૧૦ કલાકની જહેમત બાદ હેમખેમ બહાર કાઢીને જામનગરની હૉસ્પિટલમાં સારવાર માટે મોકલ્યું હતું, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ બાળકને જીવતો બહાર કાઢનાર જામનગર ફાયર બ્રિગેડની ટીમનું આજે સન્માન કરવામાં આવશે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણ ગામની સીમમાં આવેલી એક વાડીના બોરવેલમાં મંગળવારે સાંજે પરપ્રાંતિય શ્રમિક પરિવારનો બે વર્ષનો બાળક રાજ પડી ગયો હતો. સદ્નસીબે આ બાળક બહુ ઊઠડે સરકી ન જતાં ૧૨ ફુટે ફસાઈ ગયું હતું. આ બાળકને બચાવી લેવા માટે જામનગર ફાયર બ્રિગેડમાં ફોન કરાતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને બચાવી લેવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડ ઉપરાંત પોલીસ તેમ જ વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બાળકને બચાવી લેવા કામગીરી હાથ ધરી હતી. ૧૦૮ ઍમ્બ્યુલન્સમાંથી બાળકને ઑક્સિજન પહોંચાડ્યો હતો અને બાળક નીચે સરકી ન જાય એ માટે સળિયો નીચે ઉતારીને બાળકના હાથમાં દોરી બાંધી દીધી હતી. બીજી તરફ બોરવેલથી થોડે દૂર જે.સી.બી. મશીનથી ખાડો ખોદવામાં આવ્યો હતો અને બાળક જેટલે ફસાયું હતું એના કરતાં થોડો વધુ ખાડો ખોદીને ત્યાંથી જે સાઇડે બાળક હતું એ તરફ ખોદકામ કરીને બાળકને સહીસલામત રીતે બહાર કાઢી લીધું હતું. ૧૦ કલાકની મહેનત બાદ બાળક જીવતું બહાર કાઢવામાં આવતાં તેને ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપીને જામનગરની જી.જી. હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયું હતું. હાલમાં આ બાળકની સારવાર ચાલી રહી છે.
જામનગર ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ કમિટીના ચૅરમૅન ભાર્ગવભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે વર્ષના બાળક રાજને બહાર કાઢીને તેનો જીવ બચાવનાર જામનગર ફાયર બ્રિગેડની ટીમનું આજે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સર્ટિફિકેટ આપીને અપ્રિશિએશન કરીને સન્માન કરવામાં આવશે.’