24 September, 2024 09:00 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
સુરત ગ્રામ્ય પોલીસે ટ્રેન ઉથલાવવાના ષડ્યંત્ર રચનાર રેલવેના ત્રણ કર્મચારીઓને ઝડપી લીધા હતા.
ઇનામ મેળવવા અને પ્રસિદ્ધિ માટે કર્યું ગંભીર કૃત્ય- નાઇટ-પૅટ્રોલિંગમાં ગુનાહિત ષડ્યંત્ર રચ્યું- સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે ૧૬ ટીમ બનાવીને ૧૫૦ પોલીસ-કર્મચારીઓએ તપાસમાં લગાડીને ભેદ ઉકેલ્યો
દક્ષિણ ગુજરાતમાં સુરત નજીક કિમ અને કોસંબા સ્ટેશન વચ્ચે રેલવે-ટ્રૅકની ફિશ-પ્લેટ કાઢી નાખીને ટ્રેન ઉથલાવવાના ષડ્યંત્રમાં રેલવેના જ ત્રણ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. ઇનામ મેળવવા અને પ્રસિદ્ધિ માટે ખુદ રેલવેના જ કર્મચારીઓએ નાઇટ-પૅટ્રોલિંગમાં આ ગુનાહિત ષડ્યંત્ર રચ્યું હોવાની વિગતો સામે આવતાં પોલીસ પણ આ વાત જાણીને અવાક્ થઈ ગઈ હતી. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે ૧૬ ટીમ બનાવીને ૧૫૦ પોલીસ-કર્મચારીઓને તપાસમાં લગાડીને આ ષડ્યંત્રનો ભેદ ઉકેલ્યો હતો.
૨૧ સપ્ટેમ્બરે વહેલી સવારે કિમ-કોસંબા સ્ટેશન વચ્ચે સેફ્ટી-પિન ખોલી નાખીને ગરીબ રથ ટ્રેનને અવરોધરૂપ બને એ રીતે બે ફિશ-પ્લેટ રેલવે-ટ્રૅક પર મૂકીને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓની જાનહાનિ થાય એ માટે ટ્રેન ઊથલાવી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. આ ઘટનાનો ગુનો કિમ પોલીસ-સ્ટેશનમાં નોંધાયો હતો. સુરત ગ્રામ્યના પોલીસ-અધીક્ષક હિતેશ જોયસરે મીડિયાને કહ્યું હતું કે ‘આ કેસની તપાસમાં સુરત ગ્રામ્ય પોલીસ ઉપરાંત સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ તેમ જ અન્ય એજન્સીઓ સહિત કુલ ૧૬ ટીમમાં ૧૫૦થી વધુ પોલીસ-કર્મચારીઓએ તપાસ હાથ ધરી હતી. એમાં રેલવે ટ્રૅક મેઇન્ટેન્સનું કામ કરતા ત્રણ કર્મચારીઓ સુભાષ પોદાર, મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલની પૂછપરછ કરતાં તેમ જ તેમના મોબાઇલ તપાસતાં એમાંથી વિડિયો અને ફોટો મળી આવ્યા હતા. જોકે એ પછી આ આરોપીઓએ આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરીને કહ્યું હતું કે અમે પૅડ-લૉક તેમ જ ફિશ-પ્લેટ કાઢીને ટ્રૅક પર મૂક્યાં હતાં. આવું કરવા પાછળનો તેમનો હેતુ પ્રસિદ્ધિ મેળવવા માટે તેમ જ ઇનામ મળે એ માટે આ કૃત્ય કર્યું હતું. તેમ જ પોતાની રાતના સમયની મૉન્સૂન નાઇટ ડ્યુટી ટૂંક સમયમાં બંધ થઈ જવાની હોવાથી જો નાઇટ ડ્યુટી ચાલુ રહે તો બીજા દિવસે ઑફ મળે છે એમાં ફૅમિલી સાથે બહાર જઈ શકાય. આવો બનાવ બને તો મૉન્સૂન નાઇટ ડ્યુટી લંબાઈ જાય અને એ લાંબા સમય સુધી ચાલે એ માટે ષડ્યંત્ર રચી સુભાષ પોદારના કહેવાથી ત્રણેય જણે ભેગા મળીને આ કૃત્ય કર્યું હતું.’