17 September, 2024 06:50 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત એક ઇવેન્ટમાં ભારતનું ભવિષ્ય કેટલું ઉજ્જ્વળ હશે એનો ચિતાર મેળવતા નરેન્દ્ર મોદી.
અમદાવાદમાં બોલ્યા : આ સરદાર પટેલની ભૂમિ પર પેદા થયેલો દીકરો છે... દરેક મજાક, દરેક અપમાન સહેતાં એક પ્રણ લઈને ૧૦૦ દિવસ મેં તમારા કલ્યાણ માટે, દેશના હિત માટે નીતિ બનાવવા અને નિર્ણય લેવામાં લગાવી દીધા
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગઈ કાલે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ સમિટ ઍન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે દેશ અને દુનિયામાંથી આવેલા પ્રધાનો, ડેલિગેટ્સની સમક્ષ હિંમત અને આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે ‘આ મોદી છે, અહીં કોઈનો દબાવ નથી ચાલતો. જ્યારે ૨૧મી સદીનો ઇતિહાસ લખાશે ત્યારે એમાં ભારતની સોલર ક્રાન્તિનું ચૅપ્ટર, સોલર રેવલ્યુશનનું ચૅપ્ટર સુવર્ણ અક્ષરોમાં લખાશે.’
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ જોષી, સી. આર. પાટીલ, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને ગોવાના મુખ્ય પ્રધાન, વિવિધ રાજ્યોના ઊર્જાપ્રધાન, જર્મની અને ડેન્માર્કના પ્રધાન સહિત દેશ અને દુનિયાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ બીજું શું-શું કહ્યું હતું?
મને યાદ છે કે એક વાર રાષ્ટ્રપતિ ઓબામા અહીં ભારતમાં તેમના પ્રવાસે આવ્યા હતા. અમારી પ્રેસ કૉન્ફરન્સ હતી. દિલ્હીમાં કોઈ પત્રકારે મને પૂછ્યું કે દુનિયામાં ભાંતી-ભાંતીના દેશ મોટા-મોટા ટાર્ગેટ નક્કી કરી રહ્યા છે એનો દબાવ તમારા મન પર છે? અને મેં એ દિવસે મીડિયાને જવાબ આપ્યો હતો કે આ મોદી છે, અહીં કોઈનો દબાવ નથી ચાલતો.
પછી મેં કહ્યું હતું કે હા, મારા પર દબાવ છે અને એ દબાવ છે અમારી ભાવિ પેઢીનાં સંતાનોનો. તેમના ઊજવળ ભવિષ્યની ચિંતા મને સતાવી રહી છે અને એટલા માટે આવનારી પેઢીના કલ્યાણ માટે હું કામ કરું છું અને આજે પણ આ સમિટ અમારા પછી બીજી, ત્રીજી, ચોથી પેઢીના ઉજ્જ્વળ ભવિષ્યની ગૅરન્ટી બનવાની છે. મારા માટે એક સુખદ સંયોગ છે કે ગુજરાતની જે ધરતી પર શ્વેત ક્રાન્તિનો ઉદય થયો, જે ધરતી પર સ્વીટ ક્રાન્તિનો ઉદય થયો, જે ધરતી પર સૂર્યક્રાન્તિનો ઉદય થયો ત્યાં આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે.
ગુજરાત ભારતનું એ રાજ્ય છે જેણે ભારતમાં સૌથી પહેલી પોતાની સોલર પાવર પૉલિસી બનાવી હતી. પહેલાં ગુજરાતમાં પૉલિસી બની પછી નૅશનલ લેવલે આગળ વધ્યા. જે સમયે ભારતમાં સોલર પાવરની બહુ ચર્ચા પણ નહોતી, ગુજરાતમાં સેંકડો મેગાવૉટના સોલર પ્લાન્ટ લાગી રહ્યા હતા.
અમારી પી.એમ. સૂર્યઘર મફત વીજળી સ્કીમનો સ્ટડી કરવો જોઈએ. આ રૂફટૉપ સોલરની એક યુનિક સ્કીમ છે. અમે રૂફટૉપ સોલર સેટઅપ માટે ફૅમિલીને ફંડ કરી રહ્યા છીએ, ઇન્સ્ટૉલેશનમાં મદદ કરી રહ્યા છીએ. આ યોજનાથી ભારતનું હર ઘર એક પાવર પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ૧ કરોડ ૩૦ લાખથી વધુ ફૅમિલી આમાં રજિસ્ટ્રેશન કરી ચૂકી છે. અત્યાર સુધીમાં સવા લાખ ઘરોમાં ઇન્સ્ટૉલેશનનું કામ પૂરું થયું છે.
વિદેશના મહેમાનો અહીં આવ્યા છે તેમને કહીશ કે અહીંથી ૧૦૦ કિલોમીટર દૂર એક ખાસ ગામ છે મોઢેરા, ત્યાં સેંકડો વર્ષ જૂનું સન ટેમ્પલ છે. આ ગામ ભારતનું પહેલું સોલર વિલેજ પણ છે.
અયોધ્યા સૂર્યવંશી ભગવાન રામની જન્મભૂમિ છે એ આખું અયોધ્યા મૉડલ સોલર સિટી બનાવવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યું છે. અમારો પ્રયાસ છે, અયોધ્યાનું દરેક ઘર, કાર્યાલય સોલર એનર્જીથી ચાલે. મને ખુશી છે કે અત્યાર સુધીમાં અનેક ઘરોને સોલર એનર્જીથી જોડી ચૂક્યા છીએ. સોલર સ્ટ્રીટ લાઇટ, સોલર વૉટર એટીએમ, સોલર બિલ્ડિંગ જોઈ શકાય છે.