29 September, 2024 10:19 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો આજે તિથિ પ્રમાણે જન્મદિવસ છે ત્યારે અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં રેંટિયાબારસના દિવસે અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સેવકો દ્વારા આખો દિવસ રેંટિયો કાંતીને ગાંધીજીનો જન્મ દિવસ ઊજવાશે.
તિથિ પ્રમાણે મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ભાદરવા વદ બારસના દિવસે થયો હતો. મહાત્મા ગાંધીજીની જન્મતિથિ રેંટિયાબારસ તરીકે ઊજવાય છે. વિદ્યાપીઠમાં આજે સવારે ૮થી ૯ વાગ્યા દરમ્યાન અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સેવકો એકસાથે મળીને સમૂહકાંતણ કરશે. વિદ્યાર્થીઓ ખાદીના ગણવેશમાં તેમ જ સેવકો અને અધ્યાપકો ખાદીનાં સફેદ વસ્ત્રો પહેરીને આવશે. આ સમૂહકાંતણ બાદ સમગ્ર દિવસ દરમ્યાન વિદ્યાપીઠના સેવકો દર કલાકે ૨૦–૨૦ સભ્યોની ટુકડીમાં સાંજે ૬ વાગ્યા સુધી રેંટિયો કાંતશે. ઉલ્લેખનીય છે કે ગાંધીજીએ ૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને ૧૯૪૮ સુધી વિદ્યાપીઠના કુલાધીપતિ તરીકે રહ્યા હતા.