01 September, 2023 06:00 AM IST | sarangpur | Shailesh Nayak
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી
અમદાવાદ : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લગાવેલી પૅનલો પૈકીની એક પૅનલમાં હનુમાનદાદાને પગે લાગતા એટલે કે નમસ્કારની મુદ્રામાં દર્શાવ્યા હોવાનું જણાઈ આવતાં એ મુદ્દે ચાલી રહેલો વિવાદ ગઈ કાલે વધુ વકર્યો હતો અને મંદિર સત્તાવાળાઓને હનુમાનદાદાની આ પૅનલ હટાવી લેવા માગણી ઊઠી છે, નહીં તો સાળંગપુર મંદિર સામે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
સાળંગપુરમાં હનુમાનદાદાની પગે લાગતી પૅનલના મુદ્દે ઋષિ ભારતીબાપુ, ઇન્દ્ર ભારતીબાપુ, હરિહરાનંદબાપુ, મણિધરબાપુ, અમદાવાદના જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ સહિતના સંત સમાજના સંતોએ ગઈ કાલે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને એવો સૂર વ્યક્ત કર્યો હતો કે હનુમાનદાદાનું નિંદાપાત્ર ચિત્ર હટાવી દેવામાં આવે. તમારી લીટી મોટી કરવા બીજાની લીટી નાની ન કરો.
બીજી તરફ રાજકોટમાં કરણી સેના, બ્રહ્મ સમાજ સહિતનાં હિન્દુ સંગઠનોએ હનુમાનદાદાની પૅનલ બાબતે સાળંગપુર મંદિર સત્તાવાળાઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તો રામાનંદી સાધુ સમાજે હનુમાનદાદાની વિરાટ મૂર્તિ સાળંગપુરમાં છે એમાં હનુમાનદાદાના કપાળે જે તિલક કર્યું છે એ તિલક પ્રભુ શ્રીરામજી કરતા હતા એવું નથી એમ કહી આ તિલક હટાવવા માગણી કરી છે તો
રામાનંદી નવનિર્માણ સેનાએ પાંચમી સપ્ટેમ્બર સુધીમાં હનુમાનદાદાની પૅનલ દૂર કરી દેવાનું અલ્ટિમેટમ આપ્યું છે, નહીં તો સાળંગપુરમાં મંદિર સામે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.