17 December, 2022 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બિલકિસ બાનો (ફાઈલ તસવીર)
સુપ્રીમ કોર્ટ(Supreme Court)એ 2002ના ગુજરાત રમખાણ પીડિતા બિલકિસ બાનોની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. બિલ્કિસે 13 મેના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનર્વિચારની માંગ કરી હતી, જેના આધારે ગુજરાત સરકારે ગેંગરેપ અને હત્યાના 11 દોષિતોને મુક્ત કર્યા હતા. બિલકિસે કહ્યું કે મહારાષ્ટ્રમાં ટ્રાયલ હાથ ધરવામાં આવી હોવાથી મુક્તિના કિસ્સામાં ગુજરાતના નહીં પણ મહારાષ્ટ્રના નિયમો લાગુ થવા જોઈએ.
13 મેના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અજય રસ્તોગી અને વિક્રમ નાથની બેન્ચે એક દોષિત રાધેશ્યામ શાહની અરજી પર ચુકાદો આપતાં કહ્યું હતું કે તેને 2008માં સજા સંભળાવવામાં આવી હતી, તેથી 2014માં ગુજરાતમાં કડક નિયમો બનાવવામાં આવ્યા હતા એ નિયમો લાગુ થશે નહીં. 1992ના નિયમો લાગુ થશે. 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે આ આધારે 14 વર્ષની સજા પામેલા 11 લોકોને મુક્ત કર્યા હતા. 1992ના નિયમોમાં આજીવન કેદની સજા પામેલા કેદીઓને 14 વર્ષ બાદ મુક્ત કરવાની વાત કરવામાં આવી હતી. જ્યારે 2014માં લાગુ કરાયેલા નવા નિયમોમાં જઘન્ય અપરાધોના દોષિતોને આ છૂટ નકારી દેવામાં આવી છે.
આ પણ વાંચો: પીએમ મોદીની અપમાનજનક ટિપ્પણી વિરુદ્ધ BJP કરશે પૂતળા દહન, પાકિસ્તાનને લઈ આક્રોશ
2002 ની ઘટના
2002ના ગુજરાત રમખાણો દરમિયાન દાહોદ જિલ્લાના રણધિકપુર ગામના બિલ્કીસ તેના પરિવારના 16 સભ્યો સાથે ભાગી ગયા હતા અને નજીકના છાપરવાડ ગામના ખેતરોમાં છુપાઈ ગયા હતાં. 3 માર્ચ 2002ના રોજ 20 થી વધુ તોફાનીઓએ ત્યાં હુમલો કર્યો હતો. આ દરમિયાન 5 મહિનાની ગર્ભવતી બિલ્કીસ સહિત અન્ય કેટલીક મહિલાઓએ બળાત્કાર ગુજાર્યો હતો. બિલ્કીસની 3 વર્ષની પુત્રી સહિત 7 લોકોની હત્યા કરવામાં આવી હતી.