જેટલો કાદવ ફેંકશો, એટલી જ શાનથી ૩૭૦ કમળ ખીલશે

23 February, 2024 08:51 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

નવસારીના વાંસી બોરસી ગામમાં નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસને આડે હાથ લઈને વાક્‍‍‍પ્રહાર કરતાં આક્ષેપ કર્યો કે કૉન્ગ્રેસ પાસે આજે મોદીને ગાળ બોલવા સિવાય દેશના ભવિષ્ય માટે કોઈ એજન્ડા નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદ : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવસારીના વાંસી બોરસી ગામમાં જનસભા સંબોધતાં કૉન્ગ્રેસને આડે હાથ લઈને વાક્‍‍પ્રહાર કરવા સાથે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘સાથીઓ, તમે જોયું હશે કે કેવી રીતે કૉન્ગ્રેસના લોકો મોદીની જાતિને પણ ગાળ આપે છે, પણ કૉન્ગ્રેસ ભૂલી જાય છે કે જેટલી ગાળ આપશે, ૪૦૦ પારનો સંકલ્પ એટલો મજબૂત થશે. જેટલો કાદવ ફેંકશે, ૩૭૦ કમળ એટલા શાનથી ખીલશે. કૉન્ગ્રેસ પાસે આજે મોદીને ગાળ બોલવા સિવાય દેશના ભવિષ્ય માટે કોઈ એજન્ડા નથી.’

નવસારી પાસે વાંસી બોરસી ગામે પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક સાઇટ ખાતે યોજાયેલા વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જનસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘જ્યારે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને ભ્રષ્ટાચાર જ રાજનીતિનું એકમાત્ર લક્ષ્ય બની જાય તો વિરાસત પર ધ્યાન જતું નથી. દુર્ભાગ્યથી કૉન્ગ્રેસે દશકો સુધી દેશ સાથે લગાતાર અન્યાય કર્યો છે. કૉન્ગ્રેસે દશકો સુધી દુનિયાને ભારતની અસલી વિરાસતોથી દૂર રાખ્યાં. આઝાદીની લડાઈમાં પૂજ્ય બાપુએ નમક અને ખાદીને આઝાદીનાં પ્રતીક બનાવ્યાં. કૉન્ગ્રેસે ખાદીને પણ બરબાદ કરી દીધી અને નમક સત્યાગ્રહની આ ભૂમિને ભૂલવી દીધી. અમે સરદાર પટેલના યોગદાનને સમર્પિત સ્ટૅચ્યુ ઑફ યુનિટી બનાવી, પણ કૉન્ગ્રેસના કોઈ મુખ્ય નેતા આજસુધી ત્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવા ગયા નથી.’

નરેન્દ્ર મોદીએ મહેસાણા જિલ્લાના તરભ ખાતેથી કૉન્ગ્રેસ પર વાક્‍‍પ્રહાર અને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘છેલ્લા બે દશકામાં અમે ગુજરાતમાં વિકાસની સાથે-સાથે વિરાસત સાથે જોડાયેલાં સ્થાનોની ભવ્યતા માટે પણ કામ કર્યું છે. દુર્ભાગ્યથી આઝાદ ભારતમાં લાંબા સમય સુધી વિકાસ અને વિરાસત વચ્ચે ટકરાવ પેદા કરાયો, દુશ્મની બનાવી. એના માટે કોઈ દોષી હોય તો એ કૉન્ગ્રેસ છે, જેમણે દશકો સુધી દેશ પર શાસન કર્યું. આ એ લોકો છે જેમણે સોમનાથ જેવા પાવન સ્થળને પણ વિવાદનું કારણ બનાવ્યું. આ એ લોકો છે જેમણે પાવાગઢમાં ધર્મધ્વજા ફરકાવવા ઇચ્છા સુધ્ધાં ન બતાવી. આ એ લોકો છે જેમણે ભગવાન રામના અસ્તિત્વ પર પણ સવાલ ઉઠાવ્યા અને આજે જ્યારે જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે, જ્યારે આખો દેશ એનાથી ખુશ છે તો પણ નકારાત્મકતામાં જીવનારા લોકો નફરતનો રસ્તો છોડતા નથી.’

gujarat news surat narendra modi congress Lok Sabha Election 2024 national news