01 April, 2023 11:20 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પીએમ મોદી
અમદાવાદ (પી.ટી.આઇ.)ઃ ગુજરાત હાઈ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશેની માહિતી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પૂરી પાડવા માટે ગુજરાત યુનિવર્સિટીને જણાવતાં કેન્દ્રીય માહિતી પંચના સાત વર્ષ જૂના આદેશને ગઈ કાલે રદ કર્યો હતો.
કેન્દ્રીય માહિતી પંચના આદેશની વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીની અપીલને સ્વીકારતાં જસ્ટિસ બીરેન વૈષ્ણવે કેજરીવાલને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. અદાલતે કેજરીવાલને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઑથોરિટી સમક્ષ આટલી રકમ જમા કરાવવા માટે આદેશ આપ્યો છે. જસ્ટિસ વૈષ્ણવે તેમના આદેશ પર સ્ટે મૂકવા માટેની કેજરીવાલના લૉયર પેર્સી કેવિનાની વિનંતીને પણ ફગાવી દીધી હતી.
ગુજરાત હાઈ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે પીએમની ડિગ્રીની વિગતો જાહેર કરવામાં કોઈ જનહિતની બાબત સમાઈ નથી. અરવિંદ કેજરીવાલે માહિતી અધિકારના કાયદાના હેતુની મજાક ઉડાડી છે. એજ્યુકેશન ક્વૉલિફિકેશનને સંબંધિત દસ્તાવેજો બીજું કંઈ નહીં, પણ એક સ્ટુડન્ટની પર્સનલ ઇન્ફર્મેશન છે. જાહેર જનહિતની બાબત હોય તો જ એના માટેની જાણકારી મેળવવી જોઈએ. અદાલતે કેજરીવાલની અરજીને તુચ્છ અને ભ્રામક ગણાવી છે.
અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદીની શૈક્ષણિક લાયકાતને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈ કોર્ટનો આ ચુકાદો આવ્યો છે.
એપ્રિલ ૨૦૧૬માં એ સમયના કેન્દ્રીય માહિતી કમિશનર એમ શ્રીધર આચાર્યલુએ મોદીએ કઈ ડિગ્રીઓ મેળવી છે એની માહિતી કેજરીવાલને પૂરી પાડવા માટે દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીને આદેશ આપ્યો હતો. આ આદેશની વિરુદ્ધ યુનિવર્સિટીએ અરજી કરતાં એના ત્રણ મહિના બાદ ગુજરાત હાઈ કોર્ટે આ આદેશ પર સ્ટે મૂક્યો હતો.
કેજરીવાલે આચાર્યલુને લેટર લખ્યાને એક દિવસ બાદ કેન્દ્રીય માહિતી પંચનો આદેશ આવ્યો હતો. કેજરીવાલે લખ્યું હતું કે શા માટે આ પંચ મોદીના એજ્યુકેશન ક્વૉલિફેકેશનની માહિતી છુપાવવા ઇચ્છે છે. આ લેટરના આધારે આચાર્યલુએ મોદીના એજ્યુકેશન ક્વૉલિફિકેશનના રેકૉર્ડ્સ કેજરીવાલને આપવા માટે ગુજરાત યુનિવર્સિટીને આદેશ આપ્યો હતો.
ફેબ્રુઆરીમાં સુનાવણી દરમ્યાન યુનિવર્સિટી તરફથી હાજર સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ દાવો કર્યો હતો કે સૌપ્રથમ તો આ કેસમાં છુપાવવા માટે કંઈ જ નથી, કેમ કે પીએમની ડિગ્રી વિશેની માહિતી પહેલાં જ જાહેર છે અને યુનિવર્સિટીએ પણ ભૂતકાળમાં એક ચોક્કસ તારીખે એની વેબસાઇટ પર આ માહિતી મૂકી હતી.