22 August, 2024 07:38 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
બેટદ્વારકામાં આ રીતે દરિયાની સામે બનશે દ્વારિકાધીશનું મંદિર
જ્યાં ભગવાન શ્રીકૃષ્ણનાં પગલાં પડ્યાં છે એવી પાવનભૂમિ અને વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ બેટદ્વારકાની કાયાપલટ થવા જઈ રહી છે. બેટદ્વારકા જવા માટે સુદર્શન સેતુ બન્યા બાદ હવે યાત્રાળુઓ માટે બેટદ્વારકામાં દર્શન કરવાં સુગમ થઈ પડે એ માટે દરિયાકિનારાથી લઈને કેટલાંક મંદિરો સહિતના વિસ્તારોમાં ત્રણ તબક્કામાં વિકાસનાં કાર્યો હાથ ધરાશે એટલું જ નહીં, અહીં ડૉલ્ફિન માટે જાણીતા પદમ બીચને પણ ડેવલપ કરાશે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે એમાં હવે બેટદ્વારકાનો પણ ઉમેરો થયો છે. બેટદ્વારકામાં ત્રણ તબક્કામાં મંદિર પરિસર, બીચ અને એની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં આવશે. પ્રથમ તબક્કાના વિકાસ માટે ગુજરાત સરકારે ૧૫૦ કરોડ રૂપિયાની રકમ ફાળવી છે અને એની ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલી રહી છે.
યાત્રાળુઓની સરળતા માટે ચાર પ્રવેશદ્વાર બનશે
મંદિર-પરિસરમાં યાત્રાળુઓ સરળતાથી પ્રવેશી શકે એ માટે ચાર દિશાઓમાં પ્રવેશદ્વાર બનાવવામાં આવશે, જેમાં સુદામા સેતુથી બેટદ્વારકા ગામ તરફ આવતા રસ્તાને દરિયાઈમાર્ગેથી મુખ્ય પ્રવેશ સુધીનો દ્વાર બનશે. બેટદ્વારકાનો નૉર્થ બીચ શિયાળાની ઋતુમાં ડૉલ્ફિન નિહાળવા માટે જાણીતો છે. અહીં અનોખો પદમ નામનો શંખ મળે છે એટલે આ બીચને પદમ બીચ પણ કહેવામાં આવે છે. અહીંથી ટૂરિસ્ટો મનોરંજનની સાથે-સાથે સૂર્યાસ્તનો નઝારો માણી શકશે. હિલ્લોક પાર્કને પબ્લિક પાર્ક તરીકે વિકસાવવામાં આવશે. અહીંથી સુદામા સેતુનો વ્યુ જોવા મળશે એ ઉપરાંત સૂર્યોદય અને સૂર્યાસ્તનો નઝારો જોઈ શકાશે.