સુરત જિલ્લામાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય એવી સ્થિતિ

01 July, 2024 08:04 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બૅટિંગથી શહેર જળબંબાકાર થયુંઃ ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૨૦૪ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ: ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન થયું પ્રભાવિત

અમદાવાદમાં પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં (ઉપર) અને સુરતમાં ભરાયેલા પાણીમાં ક્રિકેટ રમી રહેલા યુવકો.

ગુજરાતમાં ગઈ કાલે મેઘરાજાએ મેઘ મહેર કરી હોય એમ સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૦૪ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો જેમાં સુરત શહેર અને જિલ્લામાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય એવી સ્થિતિ સરજાઈ હતી, જ્યારે અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બૅટિંગથી શહેર જાણે જળબંબાકાર થયું હતું. અમદાવાદના સાયન્સ સિટી, ગોતા અને બોપલ વિસ્તારમાં ૬ ઇંચથી વધુ સાંબેલાધાર વરસાદ ખાબકતાં નાગરિકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું.

ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધીમાં સુરત જિલ્લાને વરસાદે જાણે કે રીતસરનું ઘમરોળ્યું હતું. સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ ૧૫૩ મિલીમીટર એટલે કે છ ઇંચથી વધુ, બારડોલી તાલુકામાં ૧૩૬ મિલીમીટર એટલે કે સવાપાંચ ઇંચથી વધુ, સુરત શહેરમાં ૧૩૦ મિલીમીટર એટલે કે પાંચ ઇંચથી વધુ, કામરેજ તાલુકામાં ૧૨૪ મિલીમીટર એટલે કે પાંચ ઇંચ જેટલો, મહુવા અને ઓલપાડ તાલુકામાં ૧૧૯ મિલીમીટર એટલે કે પોણાપાંચ ઇંચ, ઉમરપાડા તાલુકામાં ૬૧ મિલીમીટર એટલે કે સવાબે ઇંચથી વધુ અને ચોર્યાસી તાલુકામાં ૨૫ મિલીમીટર એટલે કે ૧ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે સુરત શહેર અને જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં અને નાગરિકોને પારાવાર તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ અમદાવાદ શહેરમાં સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ ૭૦ મિલીમીટર એટલે કે ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો પરંતુ વિસ્તાર વાઇઝ ઓછોવત્તો વરસાદ પડ્યો હતો, જેમાં સાયન્સ સિટી વિસ્તારમાં ૬.૭૩ ઇંચ, ગોતામાં ૬.૭૧ ઇંચ, બોપલમાં ૬.૩૬ ઇંચ, સરખેજમાં ૫.૩૬ ઇંચ, નરોડામાં ૪.૭૨ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના મીઠાખળી, અખબારનગર, ત્રાગડ સહિતના ચાર અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાતાં વાહનચાલકોની સલામતી માટે એ બંધ કરાયાં હતાં. ભારે વરસાદથી સાત વૃક્ષ ધરાશાયી થયાં હતાં. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતાં નાગરિકો હાલાકીમાં મુકાઈ ગયા હતા.

ગુજરાતમાં ગઈ કાલે દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છ સુધીના પંથકમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો. ૭૫ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેમાં ૩૪ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને આઠ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં દોઢ ઇંચથી વધુ, વલસાડ શહેરમાં ચાર ઇંચથી વધુ, કપરાડા અને ધરમપુરમાં સાડાત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત નવસારીના ખેરગામમાં અને ભરૂચ અને મોરબીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બીજી તરફ દક્ષિણ ગુજરાતના જલાલપોર, નવસારી, ગણદેવી, વાલોડ, વ્યારા, સોનગઢ, વાગરા, ડોલવણ; જ્યારે ઉત્તર ગુજરાતના કડી, ઇડર અને ધનસુરા તેમ જ મધ્ય ગુજરાતના સંખેડામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

gujarat news monsoon news ahmedabad surat