22 July, 2022 08:22 AM IST | Ahmedabad | Shailesh Nayak
તારંગામાં બનનારા નવા રેલવે સ્ટેશનની ડિઝાઇન
ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીમાં બનનાર રેલવે સ્ટેશન પર પાંચ માળની હોટેલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. એટલું જ નહીં, યાત્રાધામ તારંગામાં તારંગા હિલ્સ સ્ટેશનને જૈન આર્કિટેક્ચરના આધારે તૈયાર કરવામાં આવશે. યાત્રીકો અને પ્રવાસીઓ માટે સૌથી રોચક વાત એ છે કે આંબા મહુડાથી અંબાજી થઈને આબુ સુધીના ઘાટોમાં ૧૧ સુરંગ બનશે અને એમાંથી ટ્રેન પસાર થશે ત્યારે ટ્રેનમાં બેઠેલા સૌકોઈ એનો રોમાંચ માણી શકશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કૅબિનેટે તારંગા હિલ્સથી અંબાજી થઈને આબુ સુધીની ૧૧૬.૬૫ કિલોમીટરની નવી રેલવે લાઇનને મંજૂરી આપ્યા બાદ આ નવી રેલવે લાઇનને લઈને ગુજરાતમાં એની તૈયારીઓ શરૂ થઈ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે રેલવેના ઉચ્ચ અધિકારીઓ, પ્રવાસન વિભાગના અધિકારીઓએગુજરાતના ચીફ સેક્રેટરી પંકજકુમાર સમક્ષ પ્રોજેક્ટની કામીગીરીના રોડમૅપ વિશે બેઠક કરી હતી.
આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામાં આવશે અને પાંચ માળ સુધીની બજેટ હોટેલ માટે જગ્યા ફાળવવામાં આવશે. યાત્રાળુઓની સુવિધા માટે સ્ટેશન પર પાંચ માળ સુધી ૧૦૦ રૂમની બજેટ હોટેલનું નિર્માણ કરવામાં આવશે. સ્ટેશનનું આર્કિટેક્ચર યાત્રાળુઓ માટે નયનરમ્ય બનાવવામાં આવશે. તારંગા હિલ્સ રેલવે સ્ટેશનમાં પણ જૈન આર્કિટેક્ચરના આધારે કાયાપલટ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂરો કરવાનું નક્કી કરાયું છે. ૬ રિવર ક્રૉસિંગ ધરાવતી તારંગાથી આબુ સુધીની ૧૧૬.૬૫૪ કિલોમીટરની રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે, જે ૬૦ ગામોમાંથી પસાર થશે. આ રેલવે લાઇનથી ગુજરાતના ત્રણ જિલ્લાનાં ૧૦૪ ગામડાંઓને ફાયદો થશે. ગુજરાતના મહેસાણાના સતલાસણા તાલુકામાં ૮, બનાસકાંઠાના દાંતામાં ૧૭ અને સાબરકાંઠાના પોશીનામાં ૮ બ્રિજ સહિત કુલ ૩૩ બ્રિજ ગુજરાતના ત્રણ જિલ્લામાં બનશે.