18 August, 2023 11:44 AM IST | Ahmedabad | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર
તેલંગણ અને કેરલાની પોલીસની સૂચનાથી સુરતની ૨૭ હીરા પેઢીઓનાં બૅન્ક-ખાતાં ફ્રીઝ કરવાના મુદ્દે હીરાબજાર સાથે સંકળાયેલા અગ્રણી પાસેથી વેપારીઓની મુસીબત જાણીને આ કેસમાં તપાસ કરવા સુરત પોલીસ કમિશનરને ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સૂચના આપી છે.
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ગુજરાતના મેમ્બર દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે ‘૨૭ હીરા પેઢીઓનાં બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરવાની ઘટનાને હર્ષ સંઘવીએ ગંભીરતાથી લીધી છે. તેઓએ મારી સાથે ટેલિફોનિક વાત કરી હતી અને સમગ્ર ઘટના જાણી હતી. તેઓને વેપારીઓ સાથે બનેલી ઘટનાથી માહિતગાર કર્યા હતા. સમગ્ર ઘટનાક્રમ જાણીને હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘આ સમગ્ર મામલે તપાસ થવી જરૂરી છે. ખોટી રીતે બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરવાની ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. ઉદ્યોગકારોને બિનજરૂરી હેરાનગતિ ન થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.’
તેઓએ સુરત પોલીસ કમિશનરને આ મુદ્દે તપાસ કરવા સૂચના આપી છે.