30 August, 2023 09:42 AM IST | Ahmedabad | Shailesh Nayak
મિતુલ ત્રિવેદી
ચંદ્રયાનની ડિઝાઇન બનાવ્યાનો દાવો કરનાર સુરતનાે મિતુલ ત્રિવેદી સુરત પોલીસના સકંજામાં આવ્યો છે. પોલીસે તપાસ કરતાં તે ચંદ્રયાન–3 મિશનમાં કોઈ પણ રીતે નહીં જોડાયો હોવાનું બહાર આવ્યું છે. પોતે બનાવટ કરે છે એવું જાણતો હોવા છતાં પણ ખોટા નિમણૂક પત્ર પોલીસ સમક્ષ રજૂ કરતાં અને ચંદ્રયાનની ડિઝાઇન બનાવી વૈજ્ઞાનિક હોવાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદી સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.
સુરતના મિતુલ ત્રિવેદીએ પોતે ચંદ્રયાન–3માં યોગદાન આપ્યું હોવાની ખોટી વાતો કરી હતી અને ઇસરોએ પોતાને અપૉઇન્ટ કર્યો હોવાનો લેટર પણ પોતાની પાસે છે એવું જણાવીને વાહવાહી મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે આ બાબતે ભારતીય ગૌરક્ષા મંચના કાર્યકર ધર્મેન્દ્ર ગામીને શંકા જતાં તેમણે સુરત પોલીસને આની તપાસ કરવા માટે અરજી આપી હતી. સુરતના અધિક પોલીસ કમિશનરે (ક્રાઇમ) આ કેસની તપાસ કરીને રિપોર્ટ આપવા સૂચના આપી હતી જેના પગલે સુરત પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે મિતુલ ત્રિવેદી ચંદ્રયાન–3ના મિશનમાં કોઈ પણ રીતે જોડાયેલો નથી.