29 August, 2023 02:23 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
મિતુલ ત્રિવેદી
ચંદ્રયાન-3 (Chandrayaan 3) ના સફળ લેન્ડિંગ બાદ ગુજરાતના મિતુલ ત્રિવેદીનું નામ ચર્ચામાં છે. જેણે પોતે ઇસરો સાથે સંકળાયેલો હોવાનો દાવો કર્યો હતો. સુરતના મિતુલ ત્રિવેદીનો ભાંડો ફૂટવાની તૈયારી છે. મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાત્રે સુરત ક્રાઇમ બાંચે મિતુલ ત્રિવેદીની પૂછપરછ કરી હતી. આ મામલે વધુ તપાસ માટે સુરત પોલીસે ઇસરોનો સંપર્ક કર્યો છે અને કેટલાક પુરાવાની ચકાસણી કરવા કહ્યું હતું. વધુ પૂછપરછ માટે આજે ફરી ક્રાઈમ બાન્ચ મિતુલને બોલાવી શકે છે.
સુત્રો અનુસાર ઈસરોની તપાસ તેમજ તેમના દાવાને ધ્યાને રાખી ક્રાઈમ બ્રાન્ચે મિતુલ ત્રિવેદીની પૂછપરછ કરવામાં આવી હતી. મિતુલ ત્રિવેદી ફ્રોડ છે, એવી વિગતો ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં જ સામે આવી છે. મિતુલ ત્રિવેદીએ ડિગ્રીઓ સાથે કોઈ છેડછાડ કરી છે કે નહીં અને અન્ય કોઈની સાથે ઠગાઈ કરી છે કે પછી કોઈ કેસમાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સેવાભાવી સંસ્થા ગૌસેવા મંચના ઘર્મેશ ગામીએ જે અરજી કરી હતી તેના આધારે આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ આપેલી માહિતી મુજબ ઇસરોએ આ અંગે ખુલાસો કરતા કહ્યું કે મિતુલ ત્રિવેદી નામનો કોઈ વ્યક્તિ તેમની સાથે સંકળાયેલો નથી. તેમના મિશનમાં આ નામે કોઈ વ્યક્તિની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ભૂમિકા નથી. જેનાથી સાબિત થાય કે આ કોઈ બનાવટી વ્યક્તિ છે. ઈસરોની આ જાણકારી બાદ પોતાને વૈજ્ઞાનિક ગણાવતા મિતુલ ત્રિવેદી સામે ગૂનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવટી વ્યક્તિ સામે કલમ 420-467-468, 471 જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ સુરતના કથિત ઇસરોના સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે ચંદ્રયાન-3 ની ડિઝાઈન તેમણે બનાવી છે. એક ઓડિયો ક્લીપ ખુબ જ વાયરલ થઈ હતી. જે સાંભળ્યા બાદ સુરતનો આ મિતુલ ચંદ્રયાન સાથે જોડાયેલા હોવાનું જાણીને લોકો પણ ઉત્સાહમાં આવી ગયા હતા.પરંતુ બાદમાં તેનો ભાંડો ફુટી ગયો.
ગત ગુરુવારે મિતુલની ઓડિયો ક્લીપ અને તેની વાતો ઘણી જ વાયરલ થઈ હતી. એવામાં ઇસરો અમદાવાદે એ જ દિવસે ખુલાસો કરતા મીડિયાને જણાવ્યુ હતુ કે આ વ્યક્તિ અમારી સાથે સંકળાયેલી નથી. જે બાદ આ મિતુલ ત્રિવેદી ખોટા દાવા કરતો હોવાની વાતને વેગ મળ્યો હતો. આ મામલે કાર્યવાહી કરતાં શુક્રવારે પોલીસ કમિશનર અજય તોમરે પોતાને વૈજ્ઞાનિક ગણાવતાં મિતુલ ત્રિવેદીને પોલીસ સમક્ષ જરૂરી દસ્તાવેજ આપવા માટે પોલીસ કમિશનર કચેરી બોલાવ્યો હતાો.