13 August, 2019 01:09 PM IST | સુરત
15મી ઓગસ્ટ એ દિવસે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો. એ દિવસ જ્યારે ભારતને દેશનો દરજ્જો મળ્યો. એ દિવસ જ્યારે હજ્જારો નામી અનામી શહીદોની શહીદી રંગ લાવી. દેશની આઝાદીમાં ગુજરાતના પ્રદાન વિશે તો બાળકો પણ જાણે છે. પોરબંદરમાં જન્મેલા મોહન લાકડીના ટેકે ચાલ્યા અને તેમના ટેકે ટેકે દેશ આઝાદ થયો. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક નાના મોટા ગુજરાતીઓ છે, જેમનું દેશની આઝાદીની લડતમાં અવગણી ન શકાય તેવું યોગદાન છે.
જો કે આઝાદી મેળવ્યા પછી પણ દેશ સામે અનેક પડકારો હતા. જેને પહેલા ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ પહોંચી વળ્યા. ધીમે ધીમે દેશમાં બધું થાળે પડ્યું. પણ દેશ સામે પાડોશી દેશોના, આતંકવાદ સામે પડવાના, સરહદો સુરક્ષિત રાખવાના પડકારો હતા. આ મુશ્કેલીઓ ભારતને દેશની રચના સાથે જ મળી હતી. જેમ ગુજરાતે આઝાદીની લડતમાં પ્રદાન આપ્યું, તેમ આઝાદ થયા બાદ પણ દેશનું સાર્વભૌમત્વ જાળવવામાં ગુજરાતનું મહત્વનું પ્રદાન છે. ગુજરાતે દેશની આઝાદી બાદ પણ મોરારજી દેસાઈ, જમશેદજી ટાટા, વિક્રમ સારાભાઈ જેવી પ્રતિભાઓ આપી, જેમણે આઝાદી બાદ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
ગુજરાતે જાળવી છે પરંપરા
ગુજરાતે પોતાની આ પરંપરા આજે પણ જાળવી રાખી છે. કદાચ ગુજરાતની ધરતી જ એવી છે કે અહીંથી દેશની સેવાના પગલાં લેવાતા રહે છે. આજે ભલે દેશ પર આઝાદીની લડાઈ, કે આર્થિક સંકટ ન હોય. પરંતુ આજે પણ ગુજરાતની ધરા દેશની સરહદોની રક્ષામાં પોતાનું યોગદાન આપી રહી છે. જી હાં, ગુજરાતનું ડાયમંડ સિટી, ટેક્સટાઈલ કેપિટલ સુરત દેશની સુરક્ષામાં મહત્વનું પ્રદાન કરી રહ્યું છે. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે સરહદ પર દેશના દુશ્મોને ડરાવતી, થથરાવતી અત્યાધુનિક ટેન્ક કે 9 વજ્રનું ઉત્પાદન સુરતમાં થાય છે. સુરતના હજીરામાં આવેલા L & Tના પ્લાન્ટમાં દેશને દુશ્મનથી બચાવતી, આતંકવાદીઓને ડરાવતી કે 9 વજ્ર ટેન્ક બને છે.
PM મોદીએ કર્યું હતું લોકાર્પણ
હજીરામાં L & Tએ ASC એટલે કે આર્મ્ડ સિસ્ટમ કોમ્પલેક્સની સ્થાપના કરી છે. જેમાં કે 9 વજ્ર ટેન્કનું ઉત્પાદન કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલ એન્ડ ટીના આ કોમ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું. જે દરમિયાન તેમણે કે 9 વજ્ર ટેન્કની સાથે ફોટો પણ પડાવ્યા હતા. મોદી સરકારની પહેલી ટર્મમાં જ આ કોમ્પલેક્સનું લોકાર્પણ કરાયું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શુભકામના પણ પાઠવી હતી.
K-9 હોવિત્ઝર ટેન્કની ખાસિયતો
ડિફેન્સ નિષ્ણાંતોના મતે આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હૉવિત્ઝર ગન કહેવાય છે. આ કે-૯ વજ્ર ટેન્ક બોફોર્સ ટેન્કને કરતા પણ ચડિયાતી છે. બોફોર્સ એક્શન માં આવતા પહેલા પાછળ જતી હતી. જ્યારે કે-૯ ઓટોમેટિક ટેન્ક છે. કે-૯ વજ્ર એક ઓટોમેટેડ આટલરી સિસ્ટમ છે, જે 40 કિલોમીટરથી 52 કિ.મી સુધીની હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. કે 9 વજ્ર ટેન્કની ઓપરેશનલ રેન્જ ૪૮૦ કિ.મી છે. કે-૯ 15 સેકન્ડમાં 9 સેલ છોડી શકે છે.
હાલ L & Tના ASC કે 9 વજ્ર ટેન્કનું ઉત્પાદન ચાલી રહ્યું છે. અત્યાર સુધી આ કોમ્પલેક્સ 10 ટેન્ક ભારતીય સૈન્યને આપી ચૂક્યુ છે. આગામી મહિનાઓમાં કુલ 90 ટેન્ક ડિલીવર થવાની છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ L & Tએ આ ટેન્કના નિર્માણનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. ડિફેન્સ ક્ષેત્રે ખાનગી કંપનીને અપાયેલો આ સૌથી મોટો કોન્ટ્રાક્ટ છે.
ASC આ કારણે પણ છે ખાસ
ગુજરાતની ધરતી પરથી પર સ્થપાયેલા , L & T આર્મ્ડ સિ્ટમ કોમ્પલેક્સમાં સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરી હોવિત્ઝર, ફ્યુચર ઈન્ફ્રેન્ટ્રી કોમ્બેટ વ્હિકલ્સ, ફ્યુચર રેડી કોમ્બેટ વ્હિકલ્સ, ફ્યુચર મેઈન બેટલ ટેન્કનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. હજીરામાં L & Tનું સંકુલ 755 એકરમાં પથરાયેલું છે, જેના 40 એકર વિસ્તારમાં આર્મડ સિસ્ટમ કોમ્પલેક્સ બનાવાયું છે. આ કોમ્પલેક્સમાં વૈશ્વિક સ્તરની સુવિધાઓ છે, જે ખૂબ ગણતરીના દેશો પાસે જ છે. અહીં પરમાણું ઉર્જા પ્લાન્ટ માટેના ઓફ શોર મોડ્યુલ્સ, રિએક્ટર અને શિલ્ડ, સ્ટીમ જનરેટર્સ, હાઈડ્રોકાર્બન થર્મલ પાવર, ડિફેન્સ માટેના હાઈ એન્ડ ઈક્વિપમેન્ટ, થર્મલ, અલ્ટ્રાક્લીન સ્ટીલ્સ અને હેવી ફોર્જિંગનું ઉત્પાદન પણ થાય છે.
આ પણ વાંચોઃ દ્વારકાની એ જગ્યાઓ જ્યાં પાણી છે ગુલાબી, અને રેતી છે પીળી !
ઉલ્લેખનીય છે કે L & T ત્રણ દાયકાથી દેશની સુરક્ષામાં પ્રદાન કરે છે. સૈન્ય માટે અત્યાધુનિક હથિયારોના ઉત્પાદનનો પ્રયાસ કરે છે. ડિફેન્સ ક્ષેત્રે ઉત્પાદનમાં હજીરાનું ASCએ L & Tનું 10મું એકમ છે. આ ઉપરાંત વડોદરાના રાનોલીમાં પણ L & Tએ આવું કોમ્પલેક્સ બનાવ્યું છે. જ્યાં બ્રહ્મોસ અને આકાશ મિસાઈલ માટે સ્પેસ લોન્ચ વ્હિકલ્સ અને મહત્વના કમ્પોઝિટ સબસિસ્ટમ પણ બનાવે છે.
સરવાળે કહી શકાય કે ગુજરાતની ધરતી દેશની સેવા કરતી રહી છે, કરી રહી છે અને કરતી રહેશે. સમય અને સંજોગો કોઈ પણ હોય, ગુજરાત પોતાનું પ્રદાન દેશની સુરક્ષામાં આપતું રહેશે.