આજે રાતે સુરતીલાલાઓ દોઢેક લાખ કિલો ઘારીની કરશે જ્યાફત

18 October, 2024 01:41 PM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

૨૪ કૅરૅટ ગોલ્ડ ઘારી અને ઝીરો-શુગર ઘારી પણ ચલણમાં: સુરતમાં તો મંડળો ઍડ્વાન્સમાં ઑર્ડર આપીને ઘારી બનાવડાવે છે: સુમુલ ડેરીએ ૮૦ હજાર કિલોથી વધુ ઘારી બનાવી

સુમુલ ડેરીએ બનાવેલી કેસર-બદામ-પિસ્તા ઘારી અને ભૂસું

ડાયમન્ડ-સિટી તરીકે જાણીતા સુરતની બીજી ઓળખ એટલે સુરતની ઘારી. આજે ચંડી પડવા પર રાતે સુરતીલાલાઓ અંદાજે દોઢ લાખ કિલો ઘારીની જ્યાફત કરશે. કેસર-બદામ-પિસ્તા અને બદામ-પિસ્તા ઘારીની સાથે-સાથે ૨૪ કૅરૅટ ગોલ્ડ ઘારી તેમ જ હેલ્થ-કૉ​ન્શિયસ લોકો માટે ઝીરો-શુગર ઘારી પણ બજારમાં આવી છે.  

છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં આવેલી સુમુલ ડેરીથી માંડીને શહેરના કંદોઈઓને ત્યાં ઘારી બનાવવાનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. ડાયમન્ડ બજારમાં મંદીનો માહોલ અને આ વર્ષે ઘારીના ભાવમાં કિલોએ ૪૦ રૂપિયા સુધીનો વધારો થવા છતાં પણ નગરજનો ઘારી ખાવાનું છોડશે નહીં અને આજે રાતે ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે બેસીને હરખભેર ઘારી અને ભૂસાની ઉજાણી કરશે.

સુમુલ ડેરીના સેલ્સ માર્કેટિંગ વિભાગના હેડ વિપુલ ઉલવા ‘મિડ-ડે’ને કહે છે, ‘આ વર્ષે અમે ડેરીમાં ૮૦ હજાર કિલો ઘારી બનાવી છે, પરંતુ લાગે છે કે આ વખતે ૯૦ હજાર કિલોથી વધુનું વેચાણ થશે એટલે બીજી ઘારી અમે બનાવીશું. છેલ્લા એક અઠવાડિયા પહેલાંથી ઘારીની તૈયારીઓ કરી રહ્યા છીએ અને ૧૦૦થી વધુ કર્મચારીઓ ઘારી બનાવી રહ્યા છે. વર્ષોથી અસ્સલ સુરતી લોકો પરિવાર સાથે પોતાની અગાસી પર બેસીને ઘારી અને ભૂસું ખાય છે. ઘારી સ્વીટ છે અને ભૂસું નમકીન હોય છે એટલે બીજુ કંઈ ખાવાની જરૂર ન પડે. ઘી, દૂધનો માવો, બેસન અને ડ્રાયફ્રૂટ્સથી ઘારી બને છે એટલે એમાં ન્યુટ્રિશન-વૅલ્યુ વધુ હોય છે. અમારી ડેરીમાં કેસર-બદામ-પિસ્તા ઘારી બને છે. આ ઉપરાંત ઝીરો-શુગર ઘારી પણ બનાવીએ છીએ.’ 

સુરતમાં ચોથી પેઢીએ ઘારી બનાવતા એસ. મોતીરામ સ્વીટ્સના હિમાંશુ સુખડિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘આ વર્ષે મંદીને કારણે છેલ્લા કેટલાક દિવસથી ઘારીનું માર્કેટ ઠંડું લાગતું હતું, પણ ગઈ કાલથી માર્કેટ ખૂલ્યું છે. માર્કેટમાં મંદીનો માહોલ છે, પણ જુદાં-જુદાં મંડળો, સમાજો તેમ જ સંસ્થાઓએ ઍડ્વાન્સમાં પચાસથી ૧૫૦ કિલો ઘારી બનાવવાના ઑર્ડર આપ્યા છે. મંદીની અસર લાગે છે, પણ સુરતવાસીઓ પરંપરાગત રીતે ઘારી ખરીદીને ખાશે. ડ્રાયફ્રૂટ્સ અને માવાના ભાવ વધ્યા હોવાથી આ વર્ષે ઘારીનો ભાવ કિલોએ ૪૦ રૂપિયા વધ્યો છે. અમે કેસર-બદામ-પિસ્તા અને બદામ-પિસ્તા ઘારી બનાવીએ છીએ. કેસર-બદામ-પિસ્તાનો ભાવ કિલોનો ૯૨૦ રૂપિયા અને બદામ-પિસ્તા ઘારીનો ભાવ ૮૮૦ રૂપિયા છે.’

ગોલ્ડ ઘારી


ગોલ્ડ ઘારી વિશે એસ. મોતીરામ સ્વીટ‍્સના હિમાંશુ સુખડિયા કહે છે, ‘ઈટેબલ ગોલ્ડ વરખ આવે છે જે પ્યૉર ૨૪ કૅરૅટ ગોલ્ડ હોય છે. એ ઈટેબલ ગોલ્ડ વરખની ઘારી અમે ઑર્ડરથી બનાવીએ છીએ. જેનો એક પીસનો ભાવ ૧૧૦૦ રૂપિયા છે. ગોલ્ડ ઘારીનો એક પીસ નેવુંથી ૧૦૦ ગ્રામનો થાય છે. ગયા વર્ષે અમે દસેક જેટલા ગોલ્ડ ઘારીના પીસ વેચ્યા હતા.’

surat gujarat festivals gujarat news life masala Gujarati food indian food