અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ સુરક્ષિત પાછાં ફરે માટે તેમના ગામના રહેવાસીઓ મંદિરમાં દરરોજ પૂજા-પ્રાર્થના કરે છે

23 September, 2024 03:17 PM IST  |  Gujarat | Gujarati Mid-day Correspondent

સુનીતા વિલિયમ્સ અને તેમના સાથી-અવકાશયાત્રી બચ વિલ્મોર ૧૦૦ દિવસથી ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયાં છે અને ૨૦૨૫ના માર્ચ પહેલાં તેમની પાછાં ફરવાની શક્યતા ઓછી છે. 

સુનિતા વિલિયમ્સના ગ્રામવાસીઓ

અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ તેમનું સ્પેસ‍-મિશન સફળતાપૂર્વક પાર પાડીને સુરક્ષિત પૃથ્વી પર પાછાં ફરે એ માટે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા તેમના માદરેવતન ઝુલાસણ ગામના રહેવાસીઓ શ્રી દોલા માતાજીના મંદિરમાં દરરોજ પૂજા-પ્રાર્થના કરે છે અને અહીં અખંડ દીવો પ્રગટાવવામાં આવ્યો છે.

સુનીતા વિલિયમ્સ અને તેમના સાથી-અવકાશયાત્રી બચ વિલ્મોર ૧૦૦+ દિવસથી ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયાં છે અને ૨૦૨૫ના માર્ચ પહેલાં તેમની પાછાં ફરવાની શક્યતા ઓછી છે. 

૭૦૦૦ લોકોની વસ્તી ધરાવતા ઝુલાસણ ગામના વતની અને સુનીતાના પિતા દિવંગત દીપક લાભશંકર પંડ્યા ૧૯૫૭માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. ત્યાં તેઓ અમેરિકન મહિલાને પરણ્યા હતા. ૧૯૬૫માં સુનીતાનો જન્મ થયો હતો. ૧૯૭૨માં તેઓ પહેલી વાર સુનીતાને લઈને ગામમાં આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. એ સમયે નાનકડી સુનીતા ગામમાં ઊંટ પર બેસીને ફરતી હતી. ત્યાર બાદ તેમણે ૨૦૦૭ અને ૨૦૧૩ના સફળ સ્પેસ-મિશન બાદ ઝુલાસણ ગામની મુલાકાત લીધી હતી. ગામમાં તેમનું ઘર અને સુનીતાનાં દાદા-દાદીના નામની લાઇબ્રેરી હાલમાં જર્જરિત અવસ્થામાં છે. દીપક પંડ્યા ન્યુરોસાયન્ટિસ્ટ હતા અને ૨૦૨૦માં તેમનું નિધન થયું હતું. આ ગામમાં સુનીતાએ આપેલા ભંડોળથી શરૂ કરવામાં આવેલી સ્કૂલ છે જેના પ્રાર્થનાખંડમાં તેમનાં દાદા-દાદીની તસવીરો છે.

ગામના વતની કિશોર પંડ્યા સુનીતા વિલિયમ્સ સાથેની ૨૦૦૭ની મુલાકાતનાં સંભારણાં વાગોળતાં કહે છે, ‘એ સમયે હું તેની પાસે ગયો હતો અને અંગ્રેજી ભાષાની મારી મર્યાદિત જાણકારી સાથે તેને કહ્યું હતું કે હું તારો ભાઈ છું. તેણે એ સમયે ખુશી વ્યક્ત કરીને મારી સાથે હાથ મિલાવ્યો હતો.’

gujarat news nasa international space station india life masala