02 September, 2023 12:24 PM IST | Ahmedabad | Shailesh Nayak
કોઝીકોડ જિલ્લાની ૮૨ સ્કૂલોમાંથી ૮૨ વિદ્યાર્થીઓ અને શિક્ષકો, અધિકારીઓએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.
અમદાવાદ ઃ મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો અને આદર્શોને આજે પણ ફૉલો કરનારાઓ છે એનું ઉદાહરણ ગઈ કાલે અમદાવાદસ્થિત ગાંધીબાપુના સાબરમતી આશ્રમમાં જોવા મળ્યું હતું. કેરલાના કોઝીકોડ (કાલીકટ) જિલ્લાની ૮૨ સ્કૂલોમાંથી આવેલા ૮૨ વિદ્યાર્થીઓએ આશ્રમમાં ગાંધીબાપુના જીવન વિશે અને તેમના આદર્શો વિશે જાણીને જાતે જ થાળી ધોઈ હતી અને આશ્રમમાં આવીને ગાંધીબાપુને અનુસરીને સ્વાશ્રયી બન્યા હતા.
ગાંધીપદમ એજ્યુકેશનલ સ્ટડી ટૂરથી મહાત્મા ગાંધીજીના આદર્શ, બાપુની સ્વરાજ્યની લડત, બાપુનું જીવન સહિતની બાબતો નવી જનરેશન જાણે એ હેતુથી અમદાવાદમાં ગાંધીબાપુના સાબરમતી આશ્રમમાં ગઈ કાલે કેરલાના સ્ટુડન્ટ્સ આવ્યા હતા. કોઝીકોડ (કાલીકટ) જિલ્લાની ૮૨ સ્કૂલમાંથી આવેલા ૮૨ સ્ટુડન્ટ્સ ગાંધીજીના પ્રચારક બનીને કેરલા પરત જઈને તેમની સ્કૂલમાં બાપુની વાત કરશે અને ગાંધીજી વિશે આર્ટિકલ લખીને મેગેઝિન બનાવશે.
કોઝીકોડથી આવેલી અને ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી આદ્રા સુધીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં બાપુના આશ્રમમાં આવીને મારું ડ્રીમ પૂરું થયું છે. આશ્રમમાં ગાંધીબાપુ જાતે જ પોતાનું કામ કરતા હોવાનું જાણીને અમે પણ જાતે થાળી ધોઈ છે અને તેમના આદર્શને જીવનમાં ઉતારવાનો પ્રયાસ શરૂ કર્યો છે. બાપુએ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટની વાત કરી હતી. બાપુ બીજાને મદદરૂપ થતા હતા.ગાંધીબાપુના સાબરમતી આશ્રમમાં અમે બધા ફર્યા અને તેમના વિશે જાણ્યું ત્યારે અમારામાં એક કૉન્ફિડન્સ આવ્યો છે.’
કોઝીકોડ ડિસ્ટ્રિક્ટના એજ્યુકેશનલ કોર્ડિનેટર પ્રવીણકુમાર વી.એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી આ એજ્યુકેશનલ સ્ટડી ટૂરમાં વિદ્યાર્થીઓ અમદાવાદના સાબરમતી આશ્રમ ઉપરાંત પોરબંદર, દાંડી અને દિલ્હી રાજઘાટ તેમ જ બિરલા હાઉસની મુલાકાત લેશે. આ સ્ટડી ટૂર કોઝીકોડમાં આવેલા ફ્રીડમ સ્ક્વેરથી શરૂ થઈ હતી જ્યાં ગાંધીજીએ મુલાકાત લીધી હતી. આ વિદ્યાર્થીઓ કેરલા પરત ફરીને ગાંધીબાપુ વિશેના તેમના અનુભવ લખશે, જેમાંથી એક મેગેઝિન બનાવવામાં આવશે.’