07 October, 2021 08:59 AM IST | Ahmedabad | Shailesh Nayak
ગરબા-રાસની મજા માણી રહેલા ખેલૈયાઓની આ છે ફાઇલ તસવીર
આજથી આદ્યશક્તિ જગદ જનની માતાજીના નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના માહામારીના કારણે ગાઇડલાઇનના નિયમો સાથે નોરતાંની ઉજવણી થશે. ગયા વર્ષે ગુજરાતમાં ગરબા થઈ શક્યા નહોતા ત્યારે આ વર્ષે શેરી ગરબાની છૂટ મળતાં શેરી ગરબાની રંગત જામશે, પણ સંખ્યાની મર્યાદાના કારણે મોટી સોસાયટીઓ અને ફ્લૅટોમાં ગરબા નહીં યોજી શકાતા ઉત્સાહનો અભાવ જણાઈ રહ્યો છે. બીજી તરફ સતત બીજા વર્ષે પણ મોટા ગરબાનાં આયોજનો બંધ રહેતાં કલાકારોની સ્થિતિ બેકાર બની છે.
ગુજરાતમાં આ વર્ષે સરકાર દ્વારા ૪૦૦ની સંખ્યા મર્યાદામાં રહીને રાત્રે ૧૨ વાગ્યા સુધી શેરી ગરબા રમવાની છૂટથી ખેલૈયાઓમાં ઉત્સાહ છે પરંતુ ૪૦૦–૫૦૦ કે એનાથી વધુ રેસિડન્ટ ધરાવતી મોટા ભાગની સોસાયટીઓ તેમ જ ફ્લૅટો દ્વારા ૪૦૦ સંખ્યાની મર્યાદાના કારણે ગરબાનું આયોજન કર્યું નથી. આ ઉપરાંત પાર્ટી પ્લૉટ અને ક્લબોમાં થતા ગરબાના આયોજન પર પ્રતિબંધ મુકાયો છે. આને કારણે નાની સોસાયટીઓમાં ગરબા યોજાશે તેથી ત્યાં ઉત્સાહનું વાતાવરણ છે જ્યારે મોટી સોસાયટીઓમાં જબરી હતાશા છે.
મ્યુઝિક આર્ટિસ્ટ્સ અસોસિએશનના કાર્યકારી પ્રમુખ અનુપમ વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે થઈને ગરબામાં સંખ્યાની મર્યાદા હોવાના કારણે મોટી સોસાયટીઓ અને ફ્લૅટોમાં ગરબાનાં આયોજન બંધ રાખ્યાં છે. આ ઉપરાંત પાર્ટી પ્લૉટ, ક્લબોમાં ગરબા થઈ શકશે નહીં એટલે પાર્ટી પ્લૉટ તેમ જ ક્લબોમાં થતા કૉર્પોરેટ ગરબા તેમ જ જુદા-જુદા સમાજ દ્વારા યોજાતા ગરબા આ વર્ષે થશે નહીં. નાની સોસાયટીઓમાં ફન્ડની મર્યાદા હોય છે એટલે આ બધાં કારણોસર ઑર્કેસ્ટ્રા કે મંડળી દ્વારા થતા ૭૦થી ૮૦ ટકા લાઇવ ગરબા આ વર્ષે બંધ છે એના કારણે અમદાવાદના ૮૦ ટકા કલાકારો બેકારની સ્થિતિમાં આવી ગયા છે. ગંભીર આર્થિક સ્થિતિ છે અને કામ નહીં મળતાં હૅન્ડ ટુ માઉથ જેવી તેમની સ્થિતિ થઈ છે. કેટલાક નામાંકિત કલાકારો અને મોટાં ગ્રુપો ગરબા નથી કરવાનાં અથવા તો એક કે બે પ્રોગ્રામ માંડ મળ્યા છે.’
કમર્શિયલ ગરબાની પરમિશન આપવી કે નહીં? હાઈ કૉર્ટનો આવતી કાલે ફેંસલો
ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિમાં પાર્ટી પ્લૉટ અને ક્લબોમાં કમર્શિયલ ગરબાના આયોજન પર રોક લગાવવામાં આવી છે ત્યારે ગુજરાતમાં કમર્શિયલ ગરબા કરવાની છૂટ આપવા માટે ગુજરાત હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી છે.
અમદાવાદમાં ગરબાના આયોજક આકાશ પટવાએ કહ્યું હતું કે શેરી ગરબામાં ૪૦૦ લોકો સાથે ગરબા કરવાની પરવાનગી આપી છે ત્યારે કમર્શિયલ ગરબા કરવાની પરવાનગી આપવામાં આવે એ માટે રિટ પિટિશન દાખલ કરી છે, જેની વધુ સુનાવણી આવતી કાલે રાખવામાં આવી છે.