06 February, 2023 11:07 AM IST | Ahmedabad | Shailesh Nayak
અંબાજીમાં આવેલું અંબાજી માતાજીનું મંદિર.
અમદાવાદ : જૂનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. એની જેમ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ૧૨ ફેબ્રુઆરીથી ગબ્બરની પરિક્રમા યોજાશે. માઈભક્તોને એકસાથે ૫૧ શક્તિપીઠનાં દર્શનનો લહાવો મળશે.
ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન અંબાજીમાં શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન હાથ ધરાયું છે. આદ્યશક્તિ અંબે માતાજીનાં દર્શન કરવાની સાથે ગબ્બરની પરિક્રમાનો લહાવો લેવા ગુજરાત સહિત દેશ-વિદેશથી માઈભક્તો ઊમટી પડશે. આ મહોત્સવ અંતર્ગત બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પાલનપુર ખાતે સ્વૈચ્છિક સંસ્થાઓ, જુદાં-જુદાં યુનિયનો સાથે બેઠક યોજી હતી અને પરિક્રમા માટેની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
ભાદરવી પૂનમની જેમ યાત્રાળુઓ માટે જમવા, રહેવા સહિતની સગવડો સચવાય એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે કહ્યું હતું કે ‘વ્યવસ્થા માટે બાવીસ સમિતિઓની રચના કરાઈ છે. મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને લાઇટ ઍન્ડ સાઉન્ડ શો પણ થશે.’