31 May, 2023 12:52 PM IST | Ahmedabad | Shailesh Nayak
વલસાડ જિલ્લા પોલીસે બીજેપીના નેતા શૈલેષ પટેલની હત્યાના આરોપીઓને ઝડપી લીધા હતા.
દક્ષિણ ગુજરાતમાં આવેલા વાપી તાલુકાના બીજેપીના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલવા માટે વલસાડ જિલ્લા પોલીસે ૧૬૫૦ કિલોમીટરના સીસીટીવી કૅમેરા ચેક કરીને હત્યારાઓને ઝડપી લેવા માટે સઘન પ્રયાસ કર્યા હતા અને અંગત અદાવતમાં હત્યા કરાવનાર શરદ પટેલ સહિત પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
ગઈ ૮ મેએ સવારે કોચરવા ગામના શૈલેષ પટેલ શિવમંદિરે દર્શન કરવા ગયાં હતાં ત્યારે તેઓ કારમાં બેઠા હતા એ સમયે અજાણ્યા ઇસમો તેમના પર ફાયરિંગ કરીને નાસી ગયા હતા. માથાના ભાગે ગોળી વાગતાં શૈલેષ પટેલનું મૃત્યુ થયું હતું. આ હત્યા ૧૦ વર્ષ જૂના ઝઘડાની અદાવતમાં થઈ હોવાની ફરિયાદ મૃતકના પરિવારજનોએ પોલીસ સમક્ષ કરી હતી. વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં વાપી નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવે સહિત એલ.સી.બી., એસ.ઓ.જી.ના અંદાજે ૩૦થી ૩૫ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ આ કેસ ઉકેલવા સઘન પ્રયાસ હાથ ધરીને જુદાં-જુદાં રાજ્યોમાં તપાસ શરૂ કરી હતી. વાપીથી સેલવાસ ત્યાંથી નાશિક, માલેગાંવ, ઇંદોરથી લઈને દેવાસ સુધીના અંદાજે ૧૬૫૦ કિલોમીટરના સીસીટીવી ચેક કર્યા હતા. તપાસ દરમ્યાન પોલીસને એવી વિગતો જાણવા મળી હતી કે શરદ ઉર્ફે સદીયો કોળી પટેલ તથા તેનો ભત્રીજો વિપુલ ઈશ્વર પટેલ અને મિતેશ ઈશ્વર પટેલે ભેગા મળીને કાવતરુ રચીને વાપીના અજય ગામીત અને ચણોદ ગામે રહેતા સત્યેન્દ્રસિંહ રાજપૂત દ્વારા ઉત્તર પ્રદેશના શાર્પ શૂટરોને ૧૯ લાખ રૂપિયામાં શૈલેષ પટેલને મારી નાખવા એક વર્ષ અગાઉ સુપારી આપી હતી. ત્રણ શાર્પ શૂટરો શૈલેષ પટેલ પર ફાયરિંગ કરીને હત્યા કરી બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે વિપુલ પટેલ, મિતેશ પટેલ, શરદ ઉર્ફે સદીયો પટેલ, અજય ગામીત અને સત્યેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય ઇસમોને ઝડપી લેવા માટે તપાસનાં ચક્રો તેજ કર્યાં છે.