ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસને ઝટકો, શરૂ થયો રાજીનામાનો દોર

23 November, 2022 03:41 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

પાટીદાર આંદોલન સમયથી હાર્દિક પટેલ સાથે રહેલા તેમના ખાસ સાથીદાર બ્રિજેશ પટેલે પણ ગુજરાત પ્રદેશ યુવક કૉંગ્રેસના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) પહેલાં કૉંગ્રેસ પાર્ટી (Gujarat Congress)માં ભંગાણ પડતું દેખાય છે. ગુજરાત કૉંગ્રેસના નેતાઓ એક પછી એક પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. પક્ષ સાથે લાંબા સમયથી નારાજ ગુજરાત યુથ કૉંગ્રેસના મહામંત્રી બ્રિજેશ પટેલે (Brijesh Patel) કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે.

બ્રિજેશ પટેલે આપ્યું રાજીનામુ

પાટીદાર આંદોલન સમયથી હાર્દિક પટેલ સાથે રહેલા તેમના ખાસ સાથીદાર બ્રિજેશ પટેલે પણ ગુજરાત પ્રદેશ યુવક કૉંગ્રેસના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે બ્રિજેશ પટેલ છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ હતા. હવે આ જ કારણે બ્રિજેશ પટેલે કૉંગ્રેસનો હાથ છોડી દીધો છે.

બ્રિજેશ પટેલ ઉપરાંત જયેશ પટેલ, રવિ પટેલ, ધવલ પટેલ, નિકુંજ ગજેરા સહિત 25થી વધુ યુથ કૉંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામા આપતા ગુજરાતમાં કૉંગ્રેસની ચિંતા વધી છે. આ તમામ હોદ્દેદારોએ હરપાલસિંહ ચુડાસમા અને જગદીશ ઠાકોરને પોતાના રાજીનામા મોકલ્યા છે.

આણંદના પેટલાદમાં પણ બે આગેવાનોએ કૉંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું છે. મીડિયા અહેવાલો અનુસાર દંતાલી ગામના પૂર્વ સરપંચ અને ઉપ સરપંચે પણ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.

કામિનીબા રાઠોડએ પણ છોડી પાર્ટી

ગઈકાલે દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાયાં હતાં. કૉંગ્રેસમાંથી ટિકિટ ન મળતા કામિનીબા નારાજ હતાં, તેથી તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, 21 નવેમ્બરે તેમણે પાછું ખેંચી લીધું હતું. બાદમાં ગઈકાલે ભાજપમાં જોડાઈ ગયાં હતાં.

આ પણ વાંચો: રાહુલ ગાંધી અને ભરતસિંહ સોલંકી : ટ્રાન્સલેશનના એક્સપરિમેન્ટ્સ અથવા આત્મઘાતકથા

gujarat gujarat news