"મારી સામે હથિયારબંધ ટોળુ હતું, મારી કાર ઉભી રહી, તેમણે મને પુછયું કયાંથી આવ્યા મેં કહ્યુ પત્રકાર છુ, સામેથી પ્રશ્ન પુછાયો હિન્દુ કે મુસ્લિમ" - પ્રશાંત દયાળ
"ત્યારે લાગ્યું તે પત્રકારને પણ ધર્મ હોય છે તેવું મને વાસદના ટોલ ટેકસ ઉપર પુછનાર ટોળા ખબર હતી કે પત્રકાર પણ હવે ધર્મ અને પક્ષની છાવણીમાં વહેંચાઈ ગયો છે." - પ્રશાંત દયાળ
પ્રશાંત દયાળ એક એવા પત્રકાર છે જેમણે ગુજરાતના રાજકીય અને સામાજિક બંધારણના ફેરફારો બહુ નિકટથી જોયાં છે. ભલભલા રાજકારણીઓ તેમના સવાલ માત્રથી હચમચી ગયા હોવાના કિસ્સા ગુજરાતના પત્રકારત્વના વર્તુળમાં પ્રચલિત છે. સત્ય અને સત્વ હથેળીમાં રાખીને જીવનારા પ્રશાંત દયાળે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની ભલામણથી 2002ના રમખાણોની તેમની સૌથી પહેલી પણ રૂંવાટા ખડા કરાવી દે તેવી સ્મૃતિ આ લેખ દ્વારા આલેખી અહીં રજુ કરવાની પરવાનગી આપી હતી.
1988માં પત્રકારત્વમાં આવ્યો, કામની શરૂઆત અમદાવાદથી કરી હોવાને કારણે માત્ર બે સાયકલવાળા અથડાઈ જાય તેમાંથી કોમી તોફાન થતાં મેં જાય છે. મહીના સુધી કરફયુમાં કેદ અમદાવાદ અને રસ્તા ઉપર ખુલ્લે આમ થતી છુરાબાજીઓ વચ્ચે મેં રિપોર્ટીંગ કર્યુ છે, જેમ જેમ સમય ક્રાઈમ રીપોર્ટર તરીકે સમય પસાર થયો તેમ તેમ મનમાં રહેલો ડર લગભગ જતો રહ્યો હતો, પણ વાત વીસ વર્ષ પહેલાની છે ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનને સળગાવી દેવાની ઘટના પછી હું તરત ગોધરા પહોંચ્યો હતો. 57 કાર સેવકોને સળગાવી દેવામાં આવ્યા હતા, સળગી ગયેલા ડબ્બાની વાસમાં મને ગુજરાત ભડકે બળશે તેની ગંધ આવી રહી હતી, વાતાવરણમાં બદલાની તીવ્ર ભાવના હતી, હું સુરતથી પ્રસિધ્ધ થતાં એક સામાઈક માટે કામ કરતો હતો જેના તંત્રી વિક્રમ વકીલ હતા, તેમની સુચના હતી કે મારે ગોધરાથી સુરત આવી સ્ટોરી ફાઈલ કરવી હું અને મારા સિનિયર ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠી ગોધરાથી રાત્રે સુરત ગયા, આખી રાત જાગી મેં સ્ટોરી ફાઈલ કરી અને બીજા દિવસે તા 1 માર્ચ 2002 સવારે પાંચ વાગે અમે અમદાવાદ આવવા નીકળ્યા.
આખી રાત કામ કર્યુ હોવાને કારણે કારમાં મને કયારે ઉંઘ આવી ગઈ ખબર પડી નહીં, અચાનક આંખ ખુલી મારી નજર રસ્તા ઉપર પડી મને સામેથી એક પણ વાહન આવતુ દેખાયુ નહીં, મેં કારના કાચમાંથી પાછળ નજર કરી પાછળ પણ દુર સુધી કોઈ વાહન ન હતું. મને આશ્ચર્ય થયુ અમદાવાદ-મુંબઈ જેવા ભરચક નેશનલ હાઈવે ઉપર અમારી કાર સિવાય કોઈ જ વાહન ન હતું, રસ્તાની બંન્ને તરફની હોટલો અને ધાબાઓ બંધ હતા, આવો માહોલ મેં જોયો ન હતો, રસ્તા ઉપર એકદમ શાંતિ હતી,પણ શાંતિ ડરામણી હતી જે આવનાર તોફાનનો અંદેશો હતો, મનમાં અનેક ઉથપાથલો થવા લાગી, જયારે મનમાં ડરનો જન્મ થયા ત્યારે મન શંકામાં ઘેરાઈ જાય છે, ડર અને શંકાઓ વચ્ચે અટવાતો હું વડોદારા પાર કરી ગયો, અમારી કાર અમદાવાદ તરફ વળી વાસદ ટોલ ટેકસ પાસે એક ટોળું ઉભું હતું જેમના હાથમાં લાઠીઓ, તલવારો બરછી અને મોટા છરા હતા, મેં તરત મારી એલર્ટ સિસ્ટમ ઓન કરી ટોળું કોનું હશે, હિન્દુ કે મુસલમાનોનું પણ તરત બીજો વિચાર આવ્યો હું તો પત્રકાર છું મને શુ ફેર પડે ટોળું કયા ધર્મના લોકોનું છે.
મેં બાબરી ધ્વંસ સહિત રથયાત્રા ઉપર થયેલા હુમલા પછી ફાટી નિકળેલા કોમી તોફાનું રિપોર્ટીંગ કર્યુ છે, આ તોફાનો દરમિયાન આ પ્રકારના હથિયારબંધ ટોળાનો સામનો કરવો આમ વાત હતી, જયારે પણ આવુ ટોળુ રોકે ત્યારે એટલુ જ કહેવાનું કે પત્રકાર છુ, બસ પછી તે ટોળું હિન્દુનું હોય કે મુસલમાનોનું તમે ટોળામાંથી સલામત નિકળી શકો કારણ ધર્મના નામે લડતા લોકો સાથે પત્રકારને કોઈ નિસ્બત નથી તેવુ હિંસાનો સહારો લેનાર માનતા હતા, મારા જુના અનભુવના આધારે મે કારના ડ્રાઈવરના ખભે હાથ મુકી કાર ધીમી કરી ઉભી રાખવા કહ્યુ કાર ટોળા પાસે આવી બ્રેક વાગી મેં બારીની બહાર જોયુ એક જે ટોળાનો આગેવાન હતો તેની આંખોમાં ગુસ્સો હતો, તેણે મને પુછયુ કયાંથી આવો છે, મેં જવાબ આપ્યો કે પત્રકાર છુ, તેના ચહેરાની રેખાઓ તંગ થઈ કારણ તેને તેના પ્રશ્નનો ઉત્તર મળ્યો ન્હોતો, મેં કહ્યું પત્રકાર છું એટલે તેણે મારા સહિત ફોટોગ્રાફર અન ડ્રાઈવર તરફ એક નજર કરી અને પુછયુ પત્રકાર તો બરાબર પણ કયાં ધર્મના છો.
પત્રકાર કહ્યા પછી મને કોઈએ ધર્મ પુછયો હોય તેવી પહેલી ઘટના હતી. મારો ધર્મ કહેતાં મને ડર લાગ્યો કારણ મને ખબર ન હતી કે હથિયારબંધ ટોળુ કર્યા ધર્મના વિશ્વાસુનું છે, એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યું હિન્દુ છું તેણે તરત કહ્યું કાર્ડ બતાવો તેણે અમારા ત્રણેના કાર્ડ ચેક કર્યા અને તેમણે અમને જવાની મંજુરી આપી, પણ પત્રકારનો ધર્મ પુછયા પછી મને વધારે ડર લાગ્યો, અમે અમદાવાદમાં દાખલ થયા ત્યારે અમદાવાદ ભડકે બળી રહ્યુ હતું, સળગી રહેલું અમદાવાદ શાંત થવાનું હતું અને બળી ગયેલુ શહેર ફરી બેઠું થવાનું હતું પણ પત્રકાર પણ હિન્દુ કે મુસ્લિમ હોય છે, તેવું જનમાનસના મનમાં અંકિત થયેલુ ભુંસાવાનું ન હતું, ગોધરાકાંડના ત્રણ મહીના સુધી જે પ્રકારનું રિપોર્ટીંગ થયુ તેના લખાણમાં પણ એક પ્રકારની બદબુ હતી, મને ત્યારે લાગ્યું તે પત્રકારને પણ ધર્મ હોય છે તેવું મને વાસદના ટોલ ટેકસ ઉપર પુછનાર ટોળા ખબર હતી કે પત્રકાર પણ હવે ધર્મ અને પક્ષની છાવણીમાં વહેંચાઈ ગયો છે.
(આ આર્ટિકલ વરિષ્ઠ પત્રકાર અને નવજીવન ટ્રસ્ટ સાથે સંકળાયેલા પ્રશાંત દયાળે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માટે લખ્યો છે. )