27 September, 2024 08:22 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)
બિલ્કિસબાનુ કેસમાં ગુજરાત સરકારને ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાંથી જબરદસ્ત ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં આ કેસના દોષીઓને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને લઈને જે કમેન્ટ કરી હતી એ દૂર કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે કરેલી રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી.
ગુજરાત સરકારે આ કેસના ૧૧ દોષીઓને સજા પૂરી થાય એ પહેલાં ‘સારા વર્તન’ બદલ છોડી મૂક્યા હોવાથી એ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી હતી અને એ સમયે એણે પોતાના આદેશમાં ગુજરાત સરકારને ચાબખા માર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકારે મિલિભગત કરીને દોષીઓ સાથે સાઠગાંઠ કરી હતી. આ અને આવી બીજી અમુક કમેન્ટ યોગ્ય ન હોવાથી ગુજરાત સરકારે એને રેકૉર્ડમાંથી કાઢી નાખવા સુપ્રીમ કોર્ટને કહ્યું હતું. જોકે જસ્ટિસ બી. વી. નાગરથ્ન અને જસ્ટિસ ઉજ્જ્વલ ભૂયાન આ વાત સાથે સહમત નહોતા થયા. તેમણે ગઈ કાલે આપેલા આદેશમાં કહ્યું હતું કે ‘અમે સાવચેતીપૂર્વક આ રિવ્યુ પિટિશન વાંચી છે અને એ જોયા બાદ અમને ક્યાંય એવું નથી લાગ્યું કે આદેશમાં ક્યાંય કોઈ ભૂલ થઈ હોય. આ રિવ્યુ પિટિશનમાં કોઈ મેરિટ નથી.
સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીમાં ‘સારા વર્તન’ બદલ છોડી મૂકવામાં આવેલા ૧૧ દોષીઓને પાછા જેલમાં મોકલી દીધા હતા. એ સમયે કોર્ટે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે ગુજરાત સરકારે વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યા વગર દોષીઓને છોડી મૂક્યા હતા, પણ એના માટે એ સક્ષમ નથી.