05 September, 2023 07:40 AM IST | Mumbai | Shailesh Nayak
ગઈ કાલે શ્રાવણી સોમવારે સાળંગપુર હનુમાન મંદિરમાં મોટા પાયે ભક્તો દર્શન માટે ઊમટી આવ્યા હતા.
અમદાવાદ ઃ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં હનુમાનદાદાની વિરાટ પ્રતિમા નીચે હનુમાનદાદાને પગે લાગતા દેખાડવાના વિવાદાસ્પદ ભીંતચિત્રને આજે સૂર્યોદય પહેલાં હટાવી લેવામાં આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈ કાલે મળેલી બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે એક પ્રશ્ન ઉકેલાયો, પણ બીજા પ્રશ્નોના મુદ્દે આજે લીમડીમાં સનાતમ ધર્મના સાધુ-સંતોની બેઠક મળશે. હનુમાનજીનું તિલકલ અને સાહિત્યમાં રહેલા વિવાદાસ્પદ લખાણ સહિતના તમામ મુદ્દે સાધુ-સંતો કાયમી ઉકેલ ઝંખે છે જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ જ ન રહે એટલે આજે મળનારી બેઠકમાં આ બધા મુદ્દે ચર્ચા થશે.
ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનદાદાના અપમાનના મુદ્દે વિવાદ વકરતાં અને હિન્દુ ધર્મના હોવા છતાં સનાતન ધર્મ અને સ્વામીનારાયણ ધર્મના સાધુ-સંતો અને ભાવિકો વચ્ચે તાણ ઊભી થતાં વાતાવરણ તંગ બનતાં ગુજરાત સરકાર આ વિવાદના ઉકેલ માટે હરકતમાં આવી હતી. ગઈ કાલે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્વામીનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી અને વિવાદનો ઉકેલ આવે એ દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. બીજી તરફ આ બેઠક બાદ અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે વીએચપી સાથે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો સાથે બીજી બેઠક યોજાઈ હતી અને ત્યાર બાદ જાહેરાત કરાઈ હતી.
શિવાનંદ આશ્રમમાં બેઠક બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની હાજરીમાં સ્વામી પરમાત્માનંદે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘વડતાલ પીઠાધીશ્વર આચાર્ય રાકેશપ્રસાદ મહારાજનો મત છે કે સ્વામીનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનું એક અંગ જ છે. સ્વામીનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દૂભવવા ઇચ્છતું નથી એથી સાળંગપુર મંદિર ખાતેનાં જે ભીંતચિત્રોથી લાગણી દુભાઈ છે એ ભીંતચિત્રોને સૂર્યોદય થતાં પહેલાં લઈ લેવામાં આવશે. સમાજમાં સમરસતા જળવાઈ રહે એ માટે બીજા બધા વિવાદાસ્પદ મુદ્દાઓ વિશે વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામીનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવાહો તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો, સંતો સાથે વિચારપરામર્શ બેઠક ટૂંક સમયમાં યોજાશે અને સમાજમાં વિસંવાદિતા દૂર કરવા માટે અમે કટિબદ્ધ છીએ.’
તેમણે વધુમાં કહ્યું કે ‘વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને આદેશ કર્યો છે કે કોઈએ વિવાદાસ્પદ વાણીવિલાસ કરવો નહીં.’
પુસ્તકમાં રહેલાં લખાણો વિશે સાધુ-સંતો વિરોધ કરે છે એ મુદ્દે તેમણે કહ્યું કે ‘અત્યારે જે પાયાનો પ્રશ્ન છે અને જેનાથી બધું ઉદ્ભવ્યું હતું એ દૂર કરવામાં આવશે અને પછી બાકીના મુદ્દે ચર્ચા કરાશે, કારણ કે આ પ્રશ્ન માત્ર વડતાલ ગાદીનો નથી, બીજા બધા સ્વામીનારાયણ સંપ્રદાયનાં અંગોનાં બધાનાં પુસ્તકો પણ છે એટલે એ બધાને બેસાડીને ઉકેલ લાવવામાં આવશે.’
આજે સાળંગપુરમાં હનુમાનદાદાનાં વિવાદાસ્પદ ભીંતચિત્રો હટી જશે, પરંતુ બીજી તરફ આજે લીમડી ખાતે સનાતન સંપ્રદાયના સાધુ-સંતોની બેઠક મળવાની છે. સંત સંમેલનમાં ઋષિ ભારતી બાપુ, જ્યોતિર્નાથ બાપુ સહિતના વરિષ્ઠ સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. જૂનાગઢ, સતાધાર, અમદાવાદ, દૂધરેજ, જૂનાગઢ, અમદાવાદ, ભીમનાથ સહિત સમગ્ર ગુજરાતમાંથી સાધુ-સંતો આવશે અને ઉકેલ લાવવાના પ્રયાસ કરશે. સનાતન ધર્મના સાધુ-સંતોએ હનુમાનદાદાને દાસ બતાવતાં વિવાદાસ્પદ ચિત્ર હટાવી લેવાના નિર્ણયને આવકાર્યો છે, પરંતુ સાથે-સાથે સાધુ-સંતોનો એવો સૂર છે કે માત્ર આ એક મુદ્દાથી વિવાદનો અંત નહીં આવે. તેમના સાહિત્યમાં જે વિવાદાસ્પદ લખાયું છે એ દૂર કરવામાં આવે, હનુમાનદાદાને તિલક કરાયું છે એ સહિતના મુદ્દાઓ ઊભા છે. સનાતન ધર્મનાં દેવી-દેવતાઓનું અપમાન સાંખી લેવામાં આવશે નહીં. આ બધા મુદ્દે આજની બેઠકમાં ચર્ચા થશે અને સંત સમિતિની રચના પણ કરવામાં આવશે.
સ્વામીનારાયણ સંતોસાથે સીએમ હાઉસ પર યોજાયેલી મીટિંગમાંખરેખર શું બન્યું હતું?
અમદાવાદ ઃ સાળંગપુરના વિવાદનો વંટોળ વરવું રૂપ ધારણ કરે એ પહેલાં ગુજરાત સરકારે ગઈ કાલે સાળંગપુરના હનુમાનદાદાના મંદિરના સંતોને બોલાવીને સમજાવતાં સ્વામીનારાયણના સંતોએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને બાંયધરી આપી હતી કે જે નિર્ણય આવશે એ અમે માન્ય કરીશું.
ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને બંધબારણે યોજાયેલી બેઠક બાદ આ બેઠક વિશે ‘મિડ-ડે’ સાથે ખાસ વાત કરતા અને બેઠકમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે ‘સાળંગપુરના સ્વામીનારાયણ સંપ્રદાયના ૨૫ સંતો અહીં આવ્યા હતા. તેમણે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને બાંયધરી આપી હતી કે અમે કોઈ પ્રતિકાર કરવા માગતા નથી, તોફાનમાં પણ માનતા નથી. વિશ્વ હિન્દુ પરિષદ સાથેની મીટટિંગમાં જે નિર્ણય આવશે એ અમે માન્ય રાખીશું એટલે સરકાર અમારા બાબતનું ટેન્શન ન લે એ માટે બાંયધરી આપવા આવ્યા હતા. સંતોએ કહ્યું કે અમે કોઈ પ્રતિકાર કરવા માગતા નથી, ઝઘડા નથી જોઈતા, સનાતની અમે છીએ અને અમે તેમને સહયોગ આપીશું.’
ઉલ્લેખનીય છે કે સાળંગપુરમાં હનુમાનદાદાની વિરાટ પ્રતિમા નીચે લગાવેલા ભીંતચિત્રો પૈકીનાં કેટલાંક ચિત્રોમાં હનુમાનદાદાને પગે લાગતા બતાવીને તેમનું અપમાન કર્યાના મુદ્દે સાધુ-સંતો અને ભાવિકોમાં રોષ ફેલાયો છે. આ વિવાદ વંટોળ બની રહ્યો છે ત્યારે એનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર આગળ આવી હતી. ગઈ કાલે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રધાનમંડળના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં સાળંગપુર અને વડતાલના સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે દોઢેક કલાક ચાલી હતી, જેમાં વિવાદનો શાંતિપૂર્ણ રીતે નિરાકરણ લાવવા માટે સરકાર વતી સ્પષ્ટ સુચન કરવામાં આવ્યું હતું. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ પણ આ વિવાદનો મુદ્દો ઉકેલાય એ માટે સહમતી દર્શાવી હતી.