22 September, 2023 08:50 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સૌરાષ્ટ્રના યાત્રાધામ જૂનાગઢમાં ગઈ કાલે સનાતન ધર્મની રક્ષા માટે મળેલા સંતસંમેલનમાં સનાતન ધર્મની રક્ષા માટે સંતો-મહંતોએ એક થવા આહ્વાન કર્યું છે. એટલું જ નહીં, સનાતમ ધર્મની રક્ષા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે.
જૂનાગઢમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમમાં સંતસંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતભરમાંથી સંતો-મહંતો આવ્યા હતા. આ સંમેલનમાં સૌએ સનાતન ધર્મની રક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હતી અને સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ તેમ જ એના વિશે કોઈ પુસ્તકોમાં અયોગ્ય લખાણ લખાયું હોય એના સંશોધન માટે શાસ્ત્ર સત્ય સંશોધન સમિતિ બનાવી છે. આ સમિતિઓમાં દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય, શેરનાથબાપુ, દિલીપદાસજી મહારાજ, ઇન્દ્રભારતીબાપુ, કરસનદાસબાપુ સહિતના સંતો અને કથાકારોને સ્થાન આપવામાં આવ્યું છે.
સંતસંમેલન વિશે શેરનાથબાપુએ કહ્યું હતું કે ‘સંતોનું મંતવ્ય છે કે આપણી ધાર્મિક પરંપરાને કોઈ ઠેસ ન પહોંચે, ક્યાંય અન્યાય ન થાય. અન્ય સંપ્રદાય કે અન્ય પરંપરા સાથે અમારો વાદ કે વિવાદ નથી. આપણાં દેવી-દેવતાઓ કે સનાતન પરંપરાને કોઈ નીચાં દેખાડવાનો પ્રયાસ કરતા હોય એ યોગ્ય નથી. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને અકારણ અવ્યવસ્થા ઊભી ન થાય એ માટે સૌ સંતોએ નક્કી કર્યું છે કે જે સમિતિ નક્કી કરશે એમ કામ કરવામાં આવશે.’