08 November, 2024 09:38 AM IST | Virpur | Shailesh Nayak
વીરપુરની શેરીઓ અને બજારમાં રોશનીનો ઝગમગાટ. (તસવીર: કિશનસિંહ મોરબિયા, વીરપુર)
જે સ્થાનક પર અનાજ ક્યારેય ખૂટતું નથી એ પવિત્ર સ્થળે આજે સંત વિભૂતિ જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતી હર્ષોલ્લાસ સાથે ઊજવવા બાપાના ભક્તોમાં થનગનાટ ઃ વીરપુરમાં ઘરે-ઘરે રંગોળી-રોશનીનો ઝગમગાટ ઃ કોઈકે એક-એક કિલોની ૨૨૫ કેક બનાવી તો કોઈકે ૨૨૫ કિલો બુંદી-ગાંઠિયા તૈયાર કરાવ્યાં ઃ અખૂટ આસ્થાના અવિસ્મરણીય સ્થાનક જલારામબાપાના વીરપુરમાં ઊમટ્યો છે માનવમહેરામણ
‘અમારા માટે તો જલારામબાપાની જન્મજયંતી એટલે બેસતું વર્ષ. દિવાળી કરતાં જલારામજયંતી જ અમારા માટે નવું વર્ષ. ધામધૂમથી અમે વીરપુરવાસીઓ બાપાની જન્મજયંતી ઊજવીએ છીએ. ફટાકડા ફોડીશું, રંગોળી કરી છે અને આ વખતે બાપાની ૨૨૫મી જન્મજયંતી છે એટલે ઉજવણીની સ્પેશ્યલ તૈયારીઓ કરી છે.’
સૌરાષ્ટ્રમાં આવેલા જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં રહેતા કિશન ડાભી ‘મિડ-ડે’ને આમ કહીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. આ માત્ર કિશન ડાભીના હૈયાનો ઉમળકો નથી, તમામ વીરપુરવાસીઓમાં આ થનગનાટ જોવા મળી રહ્યો છે. એક રીતે કહીએ તો જલારામજયંતી વીરપુરવાસીઓ માટે જાણે કે બીજી દિવાળી છે એટલા ઉલ્લાસ-આનંદ છવાયા છે.
અલખના આરાધકોની અખૂટ આસ્થાના અવિસ્મરણીય સ્થાનક વીરપુરના જલારામબાપાની જગ્યાએ માનવમહેરામણ ઊમટી રહ્યો છે. જે સ્થાનક પર અનાજ ક્યારેય ખૂટ્યું નથી એ પવિત્ર સ્થળે આજે સંત વિભૂતિ જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતી હર્ષોલ્લાસ સાથે ઊજવવા બાપાના ભક્તોમાં ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહ્યા છે. વીરપુરમાં ઘરે-ઘરે રંગોળી ને રોશનીનો ઝગમગાટ દેખાઈ રહ્યો છે ત્યારે આવો જાણીએ કે આજે ૨૨૫મી જન્મજયંતી પર જલારામબાપાના વીરપુરમાં શું થવા જઈ રહ્યું છે.
બુંદી-ગાંઠિયાના પ્રસાદનાં પૅકેટ તૈયાર કરતા વીરપુરવાસીઓ.
રંગેચંગે શોભાયાત્રા નીકળશે
જલારામબાપાની જન્મજયંતી પ્રસંગે વીરપુરવાસીઓમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. વીરપુરમાં યુવાનોનું એક ગ્રુપ છે એણે જલારામબાપાની પ્રિય બુંદી અને ગાંઠિયા બનાવીને એનાં પૅકેટ તૈયાર કર્યાં છે જે શોભાયાત્રામાં તમામને પ્રસાદ તરીકે વહેંચાશે. ગામમાં આજે નીકળનારી શોભાયાત્રા વિશે વાત કરતાં વીરપુરના રવિ ગોટેચા
‘મિડ-ડે’ને કહે છે, ‘જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતીને લઈને અમારું ૨૫ મિત્રોનું ગ્રુપ આજે શોભાયાત્રા યોજશે. સવારે મીનળ વાવ ચોકથી શોભાયાત્રા શરૂ થશે અને વીરપુરના મુખ્ય માર્ગો પર ફરીને ટાવરચોક, રામજી મંદિરે પૂરી થશે. આ શોભાયાત્રામાં ટ્રૅક્ટરમાં જલારામબાપાની ઝૂંપડી બનાવીએ છીએ. એમાં બાપાનો ફોટો મૂકીએ છીએ. આ શોભાયાત્રામાં ગામના તેમ જ દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પણ જોડાય છે. ગરબી મંડળની બાળાઓ રાસ રમતાં-રમતાં આગળ વધતી હોય છે. જલારામબાપાની આ ૨૨૫મી જન્મજયંતી છે એટલે આ વર્ષે અમે ૨૨૫ કિલો બુંદી બનાવી છે. આ બુંદી ઘીમાં બનાવી છે તેમ જ ૧૦૦ કિલો ગાંઠિયા બનાવ્યા છે. એનાં પૅકેટ તૈયાર કર્યાં છે. આ પ્રસાદ શોભાયાત્રામાં વહેંચવામાં આવશે.’
ઘરે-ઘરે રંગોળી અને રોશની
વીરપુરમાં જલારામજયંતીએ દિવાળી જેવો માહોલ હોય છે એની વાત કરતાં રવિ ગોટેચા કહે છે, ‘આજે અમારે વીરપુરમાં બીજી દિવાળી થશે. લોકો પોતાના ઘરે રંગોળી અને રોશની કરે છે. આ ઉપરાંત ગામના મોટા ચોકમાં પણ રંગોળી થાય છે. જલારામજયંતીના આગલા દિવસોથી જ બજારમાં તમે ફરો તો રોશની જોવા મળશે એટલો ઉત્સાહ-ઉમંગ વીરપુરવાસીઓમાં છે. વીરપુરવાસીઓને જલારામબાપામાં અપાર શ્રદ્ધા છે અને એટલે જ બાપાની જન્મજયંતીએ ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે. લોકો આ દિવસે ફટાકડા ફોડે છે.’
એક-એક કિલોની ૨૨૫ કેક
જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતીને લઈને વીરપુરવાસીઓમાં જાણે કે ઉત્સાહ સમાતો નથી. વીરપુરના જલારામ ગ્રુપે તો વિશેષ રીતે ઉજવણી કરવાનુ પ્લાનિંગ કર્યું છે એની વાત કરતાં વીરપુરના કિશન ડાભી ‘મિડ-ડે’ને કહે છે, ‘જલારામબાપાની જન્મજયંતીને લઈને અમારા ગ્રુપે બે કેક તૈયાર કરાવી છે. બાપાની ૨૨૫મી જન્મજયંતી હોવાથી અમે એક-એક કિલોની ૨૨૫ કેક તૈયાર કરાવી છે. આજે સવારે જૂના બસ સ્ટૅન્ડ ચોકમાં અમે સેલિબ્રેશન કરીશું. જલારામબાપાની આરતી કરીને કેક-કટિંગ કરીશું અને બધાને પ્રસાદ તરીકે આપીશું. બીજી કેક અમે ૨૫ કિલોની તૈયાર કરી છે. એનું કારણ એ છે કે જલારામબાપાની જગ્યામાં છેલ્લાં ૨૪ વર્ષથી દાનપેટી બંધ કરી છે અને એને હવે ૨૫મું વર્ષ થશે એટલે અમે ખાસ ૨૫ કિલોની કેક બનાવી છે.’
ગામમાં રોશનીનો ઝગમગાટ
વીરપુર ગામ હાલમાં તો ઝગારા મારી રહ્યું છે એ મુદ્દે કિશન ડાભી કહે છે, ‘બાપાની જન્મજયંતીને લઈને ચારેકોર ઉત્સાહ છે અને ગામ આખામાં રોશની કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી આખું ગામ લાઇટથી શણગારવામાં અવ્યું છે અને રાત્રિનઝારો જોવા જેવો છે. ગામની શેરીએ-શેરીએ તેમ જ ગામના ચોકમાં પણ તમને રોશની અચૂક જોવા મળશે. આ બધું લોકો સ્વયંભૂ કરી રહ્યા છે કેમ કે જલારામબાપા પ્રત્યે અમારા સૌની શ્રદ્ધા છે.’
જગ્યામાં બાપાની મૂર્તિ નથી, છબી છે
કોઈ ધાર્મિક સ્થાનકમાં જઈએ તો આપણે આરસપહાણ કે અન્ય કોઈ ધાતુની મૂર્તિ જોઈએ છીએ, પરંતુ આ એક અલગ સ્થાનક છે. વીરપુરમાં જલારામબાપાની જગ્યામાં તેમની મૂર્તિ નથી, પરંતુ જલારામબાપાની છબી મુકાઈ છે. હાલમાં આ જગ્યાના ગાદીપતિ રઘુરામબાપા છે.
રોજના ચારથી પાંચ હજાર લોકો અમૃતનો ઓડકાર લે છે
પવિત્ર જગ્યાનું ભોજન તમને શાતા આપે છે, ક્ષુધા તૃપ્ત થવાની સાથે તમારા મનને શાંત કરે છે ત્યારે વીરપુરમાં જલારામબાપાની જગ્યાએ દર્શન કરવા આવતા રોજના ચારથી પાંચ હજાર લોકો પ્રસાદ ગ્રહણ કરીને અમૃતનો ઓડકાર લે છે. આમ તો કેટલા શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો એની કોઈ ગણતરી નથી હોતી, પરંતુ એક અંદાજ મુજબ સવાર સાંજ ચારથી પાંચ હજાર લોકો અહીં બપોરે બુંદી, શાક, રોટલી, દાળ-ભાત અને સાંજે કઢી, ખીચડી અને શાક જમે છે. આ ભોજનપ્રસાદમાં એક પ્રકારે આધ્યાત્મિકતાની મીઠાશ ભળે છે, જે ભોજન ગ્રહણ કરનારને તૃપ્ત કરે છે.
ઠેકઠેકાણેથી લોકો ઊમટ્યા
સૌરાષ્ટ્ર, કચ્છથી માંડીને સમગ્ર ગુજરાત ઉપરાંત દેશવિદેશથી પણ જલારામબાપાના આ વિશેષ દિને બાપાનાં દર્શન માટે ધાર્મિકજનો ઊમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ તો જન્મજયંતીની આગલી રાતથી જ જલારામબાપાની જગ્યાના સ્થળે બહાર લાઇન લગાવી દે છે. કોઈ પદયાત્રા કરીને આવી રહ્યું છે તો કોઈ બસ કે ગાડીમાં આવી રહ્યું છે. સૌકોઈ જલારામબાપા માટે કહી રહ્યા છે કે
રામ નામ મેં લીન હૈ, દેખત સબમેં રામ
તાકે પદ વંદન કરું, જય જય જય જલારામ