ગીરમાં વેકેશન પછીના પહેલા જ દિવસે ૯૦૦ સહેલાણીઓએ સિંહ જોયા

17 October, 2024 11:20 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પહેલા જ દિવસથી સહેલાણીઓ ઊમટતાં પરમિટ ફુલ થઈ ગઈ

વન વિભાગના અધિકારી સહિતના લોકોએ પહેલી જીપને લીલી ઝંડી બતાવીને રવાના કરાવી હતી

એશિયન લાયન તરીકે વિશ્વમાં ખ્યાતિપ્રાપ્ત ગુજરાતના ગૌરવ સમા ગીરના સિંહોને જોવા માટે ગઈ કાલથી સિંહ-દર્શન ફરી શરૂ થતાં પહેલા જ દિવસથી હાઉસફુલનાં પાટિયાં લાગી ગયાં હતાં અને ગીર નૅશનલ પાર્ક ઍન્ડ વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરીમાં ૯૦૦ જેટલા સહેલાણીઓએ ડાલામથાને જોઈને રોમાંચ સાથે ઍડ્વેન્ચર માણ્યો હતો.

બાળસિંહો સાથે સિંહ પરિવારને જોવાનો અલભ્ય લહાવો

ચાર મહિનાના વેકેશન બાદ ગઈ કાલથી ગીર નૅશનલ પાર્ક ઍન્ડ વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરી ફરી ખુલ્લી મુકાઈ હતી જેમાં પહેલા જ દિવસથી સહેલાણીઓ ઊમટતાં પરમિટ ફુલ થઈ ગઈ હતી. સાસણ ગીર વન વિભાગના ઑફિસર મોહન રામે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાર મહિના ગીરનું જંગલ સફારી બંધ રહ્યું હતું અને ગઈ કાલે ફરી ખૂલતાં પહેલા જ દિવસે તમામ પરમિટ ફુલ થઈ ગઈ હતી. એક દિવસમાં ૧૫૦ પરમિટ આપવામાં આવે છે અને વીક-એન્ડમાં ૧૮૦ પરમિટ આપવામાં આવે છે. એક પરમિટ એટલે એક વેહિકલ અને એક વેહિકલમાં ૬ વ્યક્તિ બેસી શકે છે. સહેલાણીઓએ ઑનલાઇન બુકિંગ કરાવ્યું હતું. પહેલા જ દિવસે સિંહ સહિતનાં પ્રાણીઓને જોઈને સહેલાણીઓએ સારો ફીડબૅક આપ્યો હતો. ઍક્ચ્યુઅલી અહીં સિંહ જોવા લોકો આવે છે, પરંતુ આ આખું જંગલ બહુ રિચ છે. સિંહ ઉપરાંત લેપર્ડ, હાયના, ચિંકારા સહિતનાં પ્રાણીઓ તેમ જ જાતભાતનાં અસંખ્ય પક્ષીઓ પણ સહેલાણીઓને જોવા મળે છે.’

ચાર મહિના બાદ ગીરના જંગલમાં સિંહને મુક્ત રીતે વિહરતો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઊમટી પડ્યા હતા. પહેલા દિવસે સહેલાણીઓને જંગલમાં લઈ જતી જીપોને ફૂલોથી શણગારવામાં આવી હતી અને વન વિભાગના અધિકારી મોહન રામ સહિતના સૌએ સહેલાણીઓનું ફૂલોથી આવકારીને સ્વાગત કર્યું હતું અને લીલી ઝંડી બતાવીને જીપને રવાના કરી હતી.

saurashtra gujarat gujarat news