04 July, 2019 03:42 PM IST | ઈડર
જાણીતા એક્ટર નરેશ કનોડિયાના પુત્ર, ગુજરાતી ફિલ્મોના એક્ટર અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાનો તલવારબાજીની કલા બતાવતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હિત કનોડિયા તલવારબાજીના દાવ કરી રહ્યા છે. આ વીડિયો તેમના મતવિસ્તાર ઈડરનો છે. જ્યાં યોજાયેલી રથયાત્રામાં ભાગ લેવા માટે હિતુ કનોડિયા પહોંચ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે અષાઢી બીજ નિમિત્તે ઈડરમાં પણ રથયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે અહીંના ધારાસભ્ય હોવાના નાતે હિતુ કનોડિયા પણ રથયાત્રામાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્ય અને એક્ટર હિતુ કનોડિયાએ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા. હિતુ કનોડિયાએ મંદિર પહોંચીને ભગવાના દર્શન કર્યા હતા. આ ઉપરાંત ભગવાનના રથને ખેંચવાનો પણ લહાવો લીધો હતો.
જે બાદ રથયાત્રામાં અખાડિયનો સાથે મુલાકાત કરીને હિતુ કનોડિયાએ તલવારબાજી કરી હતી. હિત કનોડિયાની આ તલવારબાજીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રથયાત્રા દરમિયાન અખાડાના સભ્યો દાવ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને હિતુ કનોડિયા લોકોની વચ્ચે પહોંચીને તલવારબાજીના કરતબ બતાવે છે. ઢોલ નગારાના નાદની વચ્ચે હિતુ કનોડિયા એક હાથમાં ઢાલ અને એક હાથમાં તલવાર લઈને ફેરવી રહ્યા છે. પોતાના ફેવરિટ એક્ટર અને નેતાને તલવારબાજી કરતા જોઈને રથયાત્રામાં સામેલ લોકો પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ હા, મે પિતાના હાથનો મેથીપાક ખાધો છેઃ હિતુ કનોડિયા
ઉલ્લેખનીય છે કે રથયાત્રા દરમિયાન અખાડાએ ખૂબ મહત્વનો ભાગ હોય છે. અમદાવાદની રથયાત્રામાં મોટી સંખ્યામાં અખાડા ભાગ લેતા હોય છે. અને અખાડિયનોના દિલ ધડક કરતબ જોવા માટે પણ લોકો ખાસ આવતા હોય છે. ત્યારે હિતુ કનોડિયાએ પણ અખાડિયનોની વચ્ચે જઈને તલવારબાજીની મજા લીધી હતી.