કાળા વાવટા બૅન કર્યા એટલે હવે કેસરિયા કરશે ક્ષત્રિયો

20 April, 2024 06:48 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

BJPની સભામાં ભગવા વાવટા ફરકાવીને વિરોધ કરશે યુવાનો : મહિલાઓ કરશે સાંકળી ઉપવાસ

ગુજરાતમાં ઠેકઠેકાણે સોસાયટીની બહાર આવાં બૅનરો પણ જોવા મળે છે જેમાં BJPના કાર્યકરોને પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે.

‘રોટી-બેટી’ની ટિપ્પણી બાદ કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનું ઉમેદવારી ફૉર્મ BJP દ્વારા કે ખુદ ઉમેદવાર દ્વારા પાછું નહીં ખેંચાતાં ગુજરાતના રાજપૂત સમાજે ગઈ કાલે મત એ જ શસ્ત્ર સાથે બૉયકૉટ BJP આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે અને મતદાનના દિવસ સુધી આંદોલન કરીને BJPને ગુજરાતની ૨૬ બેઠકો પર હરાવવા માટે કટિબદ્ધ થયા છે. એટલું જ નહીં, અમદાવાદ પોલીસે કાળા વાવટા ફરકાવવા સામે પ્રતિબંધ ફરમાવતાં એની સામે હવે રાજપૂત સમાજના યુવાનો BJPની સભાઓમાં કેસરિયા વાવટા ફરકાવીને વિરોધ કરશે.

અમદાવાદમાં ગઈ કાલે ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં રમજુભા જાડેજા, કરણસિંહ ચાવડા, તૃ​​​પ્તિબા રાઓલ, સુરેન્દ્રસિંહ જાડેજા સહિત સંકલન સમિતિના સભ્યો તેમ જ અન્ય આગેવાનો મળીને ૧૫૦ જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આંદોલનની રણનીતિ ઘડી હતી. 

રાજપૂત સમાજની સંકલન સમિતિએ લીધેલા નિર્ણયોની માહિતી આપતાં પ્રેસ-કૉન્ફરન્સમાં કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે ‘માતા-બહેનોની અસ્મિતા પર ટિપ્પણી થઈ છે ત્યારે ગુજરાતના દરેક જિલ્લા મથક પર ૭ મે સુધી સમાજની બહેનો એક દિવસના પ્રતીક ઉપવાસ કરશે. બીજા દિવસે બીજી બહેનો ઉપવાસ કરશે.’ 

અમદાવાદના પોલીસ-કમિશનરે એવો પરિપત્ર જાહેર કર્યો કે કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવો નહીં એની સામે આગેવાનો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) દાખલ કરશે એમ જણાવીને કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે ‘આ લોકશાહીનું ખૂન છે એટલે એને ચૅલેન્જ કરવામાં આવશે. કાલથી અમારા સમાજના યુવાનો BJPની સભાઓમાં કેસરિયા ધ્વજ સાથે શાંતિ અને સંયમથી વિરોધ કરશે. આ કેસરિયા ધ્વજમાં ભગવાન શ્રીરામનાં ચિહ્‍‍નો પણ હશે. વાવટો કાળા કલરનો હોય કે કેસરિયા કલરનો, વિરોધ ચાલુ જ રહેશે. BJP પ્રચાર માટે આવશે તો સમાજનાં ભાઈઓ-બહેનો ઘૂસવા નહીં દે.’ 

અમે નવું સૂત્ર આપ્યું છે ‘બૉયકૉટ BJP અને મત એ જ શસ્ત્ર.’ આ સૂત્ર સાથે આગળ વધવાના છીએ અને ૨૬ સીટો પર BJPને હરાવવા કટિબદ્ધ છીએ અને એને માટે જે કરવાનું થશે એ લોકશાહી ઢબે કરીશું. રાજકોટ બેઠક પરથી બહેનોને ઉમેદવારી કરાવવાના હતા, પરંતુ એમ કરવા જતાં લાગ્યું કે જેમને હરાવવાના છે એમાં મતો વહેંચાઈ જશે એટલે હવે બહેનો ઉમેદવારી ફૉર્મ નહીં ભરે.
- કરણસિંહ ચાવડા

gujarat news ahmedabad Parshottam Rupala bharatiya janata party rajkot Lok Sabha Election 2024